શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતિ
માગશર સુદ એકાદશી,
મોક્ષદા એકાદશી.
શ્રીમદ્ ભગવદ્ ગીતા એટલે ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં શ્રીકૃષ્ણના મુખારવિંદમાંથી નીસરેલી વાણી, વેદોનો સાર. જેનું સંકલન શ્રી મહર્ષિ વેદવ્યાસજીએ સાતસો શ્લોક અને અઢાર અધ્યાયના રૂપે કરેલ. ગીતા બહુઆયામી મહામૂલ્યવાન ગ્રંથ છે.
શ્રી ગીતા જયંતિ, માગસર સુદ એકાદશી નિમિત્તે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ દ્વારા ઉપદેશિત એકાત્મતા,સમાનતા,સમદ્રષ્ટિ,સમભાવના દિવ્ય તત્ત્વજ્ઞાનનું મનન-ચિંતન કરીએ.
શ્રીકૃષ્ણ કહે છે સંસારમાં જ્ઞાનના જેવું પવિત્ર કરનારું નિ:સંદેહ બીજું કશું જ નથી.
જ્ઞાનની પરિભાષા આપતાં તેઓ કહે છે કે 'સમગ્ર ભૂતોને (સઘળાં પ્રાણીને) નિ:શેષભાવે પહેલાં પોતાનામાં અને પછી પરમાત્મામાં જોવા તે જ્ઞાન છે.'
પોતાની શ્રેષ્ઠ માનવા રૂપી અભિમાનનો અભાવ હોવો, દંભાચરણનો અભાવ હોવો, કોઈપણ પ્રાણીને કોઈપણ પ્રકારે કષ્ટ ન આપવું, ક્ષમાભાવ,મન-વાણી આદિમાં ઋજુભાવ હોવો, અહંકારનો અભાવ હોવો તે જ્ઞાન છે.
જે જ્ઞાનથી માણસ ભિન્ન-ભિન્ન જણાતાં બધાં જ ભૂતોમાં એક અવિનાશી પરમાત્મભાવને, અવિભાજિતરૂપે સમભાવે રહેલો જુએ છે, એ જ્ઞાન સાત્વિક જ્ઞાન છે.
શ્રીકૃષ્ણ કહે છે કે હું વાસુદેવ જ આખા જગતની ઉત્પત્તિનું કારણ છું અને મારાથી જ સમગ્ર જગત ચેષ્ટા કરે છે. એવું ચર કે અચર કોઈ પણ પ્રાણી નથી, જે મારા વિનાનું હોય. હું સઘળાં ભૂતોમાં સમભાવે વ્યાપક છું. જે આખાં બ્રહ્માંડમાં જેટલાં પણ ચરાચર પ્રાણીઓ છે, એમને મારું જ સ્વરૂપ માનીને મુજ વિરાટસ્વરૂપ પરમેશ્વરની પૃથક ભાવે ઉપાસના કરે છે, તે મારો ભક્ત છે. મહાત્મા તેને જ ગણી શકાય કે જે 'સર્વ કાંઈ વાસુદેવ જ છે', એટલે કે વાસુદેવ સિવાય બીજું કશું જ નહીં, તે ભાવે પરમાત્માને ભજે છે.
હું જ પ્રાણીઓના હૃદયમાં અંતર્યામી રૂપે રહેલો છું, હું સઘળાં ભૂતોના હૃદયમાં રહેલો સૌનો આત્મા છું તથા ભૂતોનો આદિ, મધ્ય અને અન્ત પણ હું જ છું. પ્રાણીમાત્રના દેહમાં રહેલો સનાતન જીવાત્મા મારો જ અંશ છે. હું જ સર્વ પ્રાણીઓમાં વૈશ્વાનર અગ્નિસ્વરૂપ થઈને અન્નને પચાવું છું.
વિભૂતિ યોગમાં શ્રીકૃષ્ણ પોતાના વિવિધરૂપ જણાવે છે. તેઓ કહે છે..વિષ્ણુ, સૂર્ય, તેજ, ચંદ્ર, સામવેદ, પ્રાણીઓની ચેતના, શંકર, ધનનો સ્વામી કુબેર, અગ્નિ, સમુદ્ર, ઓંકાર, હિમાલય, પીપળાનું વૃક્ષ, ઐરાવત, વજ્ર, કામધેનુ, વાસુકી, શેષનાગ, પ્રહલાદ, સિંહ વગેરે હું છું. આમ ભગવાન સૃષ્ટિનો આદિ, અન્ત તથા મધ્ય સઘળું છે. એટલે કે ભગવાન સિવાય જગતમાં કશું જ નથી.
જે માણસ સઘળાં ભૂતોમાં સહુના આત્મારૂપ મુજ વાસુદેવને જ વ્યાપેલ જુએ છે અને સઘળાં ભૂતોને મુજ વાસુદેવની અંતર્ગત જુએ છે, એને માટે હું અદ્રશ્ય નથી હોતો અને એ મારે માટે અદ્રશ્ય નથી હોતો.
શ્રેષ્ઠતા ત્યારે જ પ્રાપ્ત થાય છે, જ્યારે સુહ્રદ(સ્વાર્થ વિના સૌનું હિત કરનાર), મિત્ર, શત્રુ, ઉદાસીન(પક્ષપાત વિનાનો), મધ્યસ્થ(બેય તરફનું ભલું કરનાર), દ્વેષ્ય તેમજ બધુંગણોમાં, ધર્માત્માઓમાં અને પાપીઓમાં પણ સમાન ભાવ રાખે છે.
ભગવત પ્રાપ્ત યોગી તે જ બની શકે છે કે જેનું અંતઃકરણ જ્ઞાન અને વિજ્ઞાનથી તૃપ્ત હોય, જેની સ્થિતિ વિકાર રહિત હોય, જેની ઇન્દ્રિયો સારી પેઠે જિતાયેલી હોય તેમજ જેના માટે માટી, પથ્થર અને સુવર્ણ સમાન હોય.
ભગવાનને એવો જ ભક્ત પ્રિય છે, જેનાથી કોઈપણ જીવ ઉદ્વેગ નથી પામતો અને જે પોતે પણ કોઈ જીવથી ઉદ્વેગ નથી પામતો. ભક્તિયુક્ત અને સ્થિર બુદ્ધિનો ભક્તિમાન માણસ તે છે કે જે સર્વ પ્રાણીઓ પ્રત્યે વેરભાવથી રહિત છે અને જે શત્રુ કે મિત્રમાં સમ છે. મિત્ર અને વેરી પક્ષમાં જે સમ છે, તે પુરુષ ગુણાતીત કહેવાય છે.
ભગવાન કહે છે કે જેના શરીર અને ઇન્દ્રિયો સહિત અંતઃકરણમાં ઋજુભાવ હોય, મન,વાણી અને શરીરથી કોઈપણ પ્રકારનું કોઈનેય કષ્ટ ન આપે, પોતાના પર ઉપકાર કરનાર ઉપર પણ ક્રોધ ન કરે, કોઈનાંય નિંદા આદિ ન કરે, સર્વ ભૂત-પ્રાણીઓ પર કશાય હેતુ વિના દયાભાવ રાખે, મૃદુ સ્વભાવ હોય, કોઈના પ્રત્યે શત્રુભાવ ન હોય, પોતાનામાં પૂજ્યતાનું અભિમાન ન હોય.. આ દૈવી સંપદા લઈને જન્મેલ માણસનાં લક્ષણો છે.
રાગ-દ્વેષને સંપૂર્ણપણે નષ્ટ કરી,અહંકાર,બળ,ઘમંડ,કામ,ક્રોધ અને પરિગ્રહને છોડીને માણસ બ્રહ્મને પામી શકે છે.
શાન્ત બ્રહ્મને પામવાની પૂર્વ શર્ત એટલે 'સર્વ પ્રાણીઓનાં હિતમાં રહેવું.'
પરાભક્તિ, જ્ઞાનની પરાનિષ્ઠા, પરમ નૈષ્કર્મ્ય સિદ્ધિ અને પરમ સિધ્ધિને પામવા માટે આવશ્યક શર્ત છે..બધાએ પ્રાણીઓમાં સમભાવ રાખવો. સર્વમાં સમભાવે રહેલા પરમેશ્વરને સમસ્વરૂપે જોતો માણસ પોતાના વડે પોતાને નષ્ટ નથી કરતો, માટે એ પરમ ગતિને પામે છે. પરમ શ્રેષ્ઠ યોગી તે જ છે જે પોતાની જેમ સઘળાં ભૂતોમાં સમ જુએ છે. જે ક્ષણે, આ માણસ પ્રાણીઓનાં જાતજાતનાં સ્વરૂપોને એક પરમાત્મામાં જ રહેલાં તથા એ પરમાત્માથી જ સઘળાં પ્રાણીઓનો વિસ્તાર જુએ છે, એ જ ક્ષણે એ સચ્ચિદાનંદઘન બ્રહ્મને પામી જાય છે. સમભાવ રાખનાર યોગી જ પરમાત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર કરી, પરમાત્મામાં અભિન્નભાવે પ્રવેશી જાય છે. જીવાત્મા પરમાત્મા એક બની જાય છે.
જ્ઞાન, હાં સાત્ત્વિક જ્ઞાન થકી, સમાન દ્રષ્ટિવાળા બની, દૈવી ગુણોને જીવનમાં ઉતારી, સમાનતાના શ્રેષ્ઠ આચરણ વડે, ધર્મ અધિષ્ઠિત માર્ગે એકાત્મ અને સમભાવે જ માણસ "નરમાંથી નારાયણ" બની શકે છે.
ભગવાનના નામ અને ગુણોનું શ્રવણ, કીર્તન,મનન તેમજ શ્વાસ દ્વારા જપ અને ભગવત્પ્રાપ્તિવિષયક શાસ્ત્રોનું પઠન- પાઠન આદિ અભ્યાસ દ્વારા, ભક્તિયોગથી પ્રકૃતિના વિવિધરૂપોમાં એક જ પરમતત્ત્વ વિદ્યમાન છે તેનો અનુભવ કરી, વિવિધતાઓને સન્માનતાં અને માણતાં જીવનમાં એકાત્મતાની આધ્યાત્મિક અનુભૂતિ કરીએ.
જય શ્રીકૃષ્ણ. જય ભગવદ્ગીતા.
#રાષ્ટ્રીય_વિમર્શ .. *એકાત્મતા*