Mar 22, 2012

‘હા પસ્તાવો વિપુલ ઝરણું’ - કલાપી


મહાન કવિ કલાપી
ગુજરાતના કવિ કલાપીનું ગુજરાતની પ્રજાને બહુ મોટું પ્રદાન છે. ગુજરાતની પ્રજા તેમનાં અમર કાવ્યોના અમર શબ્દો માટે હંમેશા ઋણી રહેશે. કલાપી એક સંવેદનશીલ અને કોમળ હૃદય ધરાવનારા કવિ થઈ ગયા... જોકે ખરેખર તો એ જ કવિ કહેવાય. કલાપી કેટલાક અમર ઉદ્ગારોનો વારસો કવિતારૂપે આપણા માટે મૂકતા ગયા છે. અંગ્રેજ કવિ શેલીએ લખ્યું છે, ‘કાવ્ય એ ઉત્તમ મનની ઉત્તમ ક્ષણોની ઉત્તમ નોંધ છે.’ આ વાત કલાપીની પંક્તિઓને પણ સંપૂર્ણપણે લાગુ પડે છે. કવિનું સમાજ પર મોટું ઋણ છે કારણ કે તે માણસને ઢંઢોળે છે, હચમચાવી મૂકે છે, જાગ્રત કરે છે. તેની સંવેદના તેના શબ્દો થકી અનેક હૃદયો સુધી પહોંચે છે. કવિ હંમેશા કાલાતીત હોય છે. તેના શબ્દો શાશ્ર્વત હોય છે. કલાપીની આવી જ બે પંક્તિઓ જોઈએ...
હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે,
પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.
પસ્તાવો એ હૃદયના ઊંડાણમાંથી જન્મેલી શ્રેષ્ઠ વૃત્તિ છે. જીવનમાં ભૂલો કોણ નથી કરતું? ભૂલો કરવી એ માનવ હોવાની નિશાની છે. પ્રશ્ર્ન એ છે કે પોતે કરેલી ભૂલનો પસ્તાવો કેટલાને થાય છે? માણસને જ્યારે ભૂલનો પસ્તાવો થાય ત્યારે તે સામાન્ય માણસ મટીને સંત બની જાય છે. ચોર, લૂંટારાને પણ ભૂલ થયા પછી પસ્તાવો થયો અને તે લૂંટારામાંથી સંત બની ગયાનાં ઉદાહરણોથી ઇતિહાસ ભરેલો છે.
ભૂલ કરવી ખોટું નથી... તે સહજ છે, પરંતુ તેનો પસ્તાવો ન થવો તે ખોટું છે. માણસનો અહંકાર તેને તેની ભૂલનો સ્વીકાર કરવા દેતો નથી. ભૂલનો સ્વીકાર જ ન હોય ત્યાં પસ્તાવાની તો વાત જ ક્યાં આવી? ભ્રષ્ટાચારમાં ડૂબેલા રાજકારણીઓના ચહેરાઓ જુઓ તો જણાઈ આવશે કે તે ચહેરાઓ પર પસ્તાવાનું કોઈ ચિહ્ન નથી. તેઓ કોઈ પરાક્રમ કર્યું હોય તે રીતે ફરતા હોય છે. પસ્તાવાનો અભાવ માણસને પશુતુલ્ય અવસ્થામાં જ રાખે છે.
પસ્તાવો સાધારણ અને અસાધારણ વચ્ચેનો તફાવત છે. ભૂલ કરનારો સામાન્ય માણસ પસ્તાવા પછી અસાધારણ બની જાય છે. તેથી અહીં પસ્તાવાને ઝરણું કહ્યું છે. ઝરણું શીતલ હોય છે, આહ્લાદક હોય છે અને પ્રસન્ન કરનારું હોય છે. ઝરણા પાસે ઘડીભર બેસવાનું મન થાય છે. ઝરણું આકર્ષક હોવાથી પશુ, પંખી, માનવ... બધાં તેની પાસે ખેંચાઈને આવે છે. આપણને ભૂલ કરનાર પ્રત્યે ભલે નફરત હોય પરંતુ પોતાની ભૂલનો પસ્તાવો કરનાર ગમવા માંડે છે. પસ્તાવો ભૂલની અસરને ધોઈને પુણ્યના માર્ગે લઈ જાય છે. પસ્તાવો ઉપરની ઉડાનનું લોંચિંગ પડ છે. પસ્તાવામાં પડેલી દિવ્ય શક્તિના કારણે કવિ કહે છે કે તે સ્વર્ગથી ઊતરેલુ ઝરણું છે. ઝરણાનો સ્વભાવ પથ્થરને અવગણવાનો અને તોડવાનો છે. દૈવી સંકેતથી પ્રાપ્ત થયેલ પસ્તાવારૂપી ઝરણું ભૂલરૂપી પથ્થરને ભાંગીને આગળ વધે છે. પસ્તાવો એ આંતરિક પરિવર્તનની સૂક્ષ્મ પ્રક્રિયા છે. તે ડંખ, કટુતા, ઘા... ને દૂર કરીને પ્રેમનું મધુર સામ્રાજ્ય સ્થાપે છે. તેથી કવિ કહે છે ‘પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.’ પાપ અને પુણ્યનો અર્થ અહીં વ્યાપક રીતે લેવાનો છે. પાપ એટલે અશુદ્ધિ અને પુણ્ય એટલે શુદ્ધિ. પસ્તાવારૂપી રસાયણ અશુદ્ધ મનને શુદ્ધ બનાવે છે.
કશેક વાંચેલ એક વાક્યનું સ્મરણ થાય છે કે ‘પાપ અને પુણ્યનો જાહેરમાં જો એકરાર કરવામાં આવે તો બંને બળી જાય છે’ (મોટાભાગે શ્રી હીરાભાઈ ઠક્કરનું આ વાક્ય છે). માણસ બધાની વચ્ચે પોતાની ભૂલ કબૂલ કરે તો જાણે-અજાણે તે માફ થઈ જાય છે. પસ્તાવારૂપી ન્યાયાધીશ તમને તમારી ભૂલ માટે પણ નિર્દોષ જાહેર કરીને છોડી દે છે, જો તમે કબૂલ કરો તો.
મોટા ભાગે ભૂલનો સ્વીકાર તો નથી જ, વધારામાં તેને છાવરવાના પ્રયાસો કરવામાં આવે છે. એક ભૂલને છુપાવવા બીજી અનેક ભૂલો કરવા માણસ તૈયાર થઈ જાય છે. જેનામાં નૈતિક હિંમત હોય તે જ ભૂલ કબૂલ કરી શકે.
પતિ-પત્ની, શિક્ષક-વિદ્યાર્થી, અધિકારી-કર્મચારી શેઠ-નોકર પ્રમાણિકતાપૂર્વક ભૂલનો સ્વીકાર કરે તો અરસપરસ પ્રેમનો સેતુ બંધાય, સંબંધોની ગુણવત્તા સુધરે.
આજનું મેડિકલ સાયન્સ પણ પ્રેમ, દય, ક્ષમા, પસ્તાવો જેવાં લક્ષણોને ઔષધિ કે ઉપચાર તરીકે સ્વીકારે છે. બ્લડપ્રેશર, ડાયાબિટીસ, હૃદયરોગ... જેવામાં તેનાથી રાહત મળે છે.
એકવાર એક શાપિંગ મોલ પાસે એક જગ્યાએ હું મારું સ્કૂટર પાર્ક કરવા જતો હતો. તેવામાં સિક્યુરિટીવાળો આવ્યો અને જોરથી બૂમો પાડીને કહેવા લાગ્યો, ‘સા’બ યહાં સ્કૂટર નહીં રખનેકા. જરા તો સમજો!’ મેં તેને હસીને કહ્યું, ‘માફ કરના, આપકી બાત સચ હૈ. દૂસરે લોગોંકો આનેજાનેમેં તકલીફ હોતી હૈ.’ મારા આશ્ર્ચર્યની વચ્ચે પેલો એટલો બધો ખુશ થઈ ગયો અને કહેવા લાગ્યો ‘હાં સા’બ, ઇસલિયે બોલના પડતા હૈ.’ તેણે પોતે મારું સ્કૂટર પાર્ક કરી આપ્યું.
ભૂલ કબૂલ કરવી, પસ્તાવો જાહેર કરવો એક જાદુ છે. ભલભલાને પિગળાવી દેનારુ તે જાદુઈ ઝરણું છે.

- અરુણ યાર્દી

3 comments: