એક વખત એક રાજાએ એક કેદીને મૃત્યુદંડની સજા ફરમાવી.
ઉશ્કેરાયેલા કેદીએ રાજાને ન કહેવાય એવી ગંદી ગાળો દીધી.
આખો દરબાર સ્તબ્ધ થઈ ગયો.
અન્ય કામમાં પરોવાયેલા રાજાનું ધ્યાન કેદી તરફ ન હતું. તે શું બોલ્યો એ જાણવા તેમણે મહામંત્રી સામે પ્રશ્ર્નસૂચક નજરે જોયું.
મહામંત્રીએ કહ્યું, ‘મહારાજ, કેદી કહે છે કે જે ક્ષમા આપી શકે છે તેની ઉપર ભગવાન ખૂબ જ પ્રસન્ન થાય છે.’
રાજા આ સાંભળી અત્યંત રાજી થયો અને કહ્યું, ‘હું કેદીને ક્ષમા આપું છું. તેને મુક્ત કરી દ્યો.’
પાસે ઊભેલા મંત્રીને આ ન ગમ્યું. તે બોલ્યા, ‘મહારાજ, તે કેદી તો આપ્ને ગંદી ગાળો દેતો હતો. મહામંત્રીએ આપ્ને જૂઠું કહ્યું.’
રાજાએ મંત્રીને કહ્યું, ‘આપ્ની સાચી વાત કરતાં મહામંત્રીની જૂઠી વાત મને વધુ ગમી, કારણ તેમની જૂઠી વાતમાં પણ કેદીની ભલાઈ ડોકાતી હતી અને આપ્ની સાચી વાતમાં પણ મને આપ્ની ઈર્ષ્યા અને દ્વેષની દુર્ગંધ આવી.’
દરબાર શાંત હતો.
મુક્તિ પામેલા કેદીએ રાજાને સાષ્ટાંગ પ્રણિપાત કર્યા અને હવેથી ક્યારેય ગુનો ન કરવાની પ્રતિજ્ઞા લીધી.
No comments:
Post a Comment