એક નગરના મોટા શેઠ. બહોળો વેપાર. સજ્જન માણસ. સાવ નિર્ધન અવસ્થામાંથી સ્વ-બુદ્ધિથી જમાવટ કરેલી. નોકરચાકર, ગ્રાહકો, સગાસંબંધી સૌની સાથે સૌજન્યપૂર્ણ વ્યવહાર. એમનો દીકરો, લાડકોડમાં ઊછર્યો. પાણી માગે ત્યાં દૂધ મળે. કોઈનું નિયંત્રણ નહિ. તેથી ઉચ્છૃંખલ બની ગયો.
જવાબદારી આવતાં સુધરશે એ આશાથી તેને પેઢીએ બેસાડ્યો. જવાનીનું જોશ, તેમાં માલિકીની સત્તા ભળી, ધનની તો કોઈ ખોટ નહોતી. પરિણામે, જૂના ધંધાની અંદરની વાતો જાણનારા સેવકો-મુનીમ વગેરેનું અપમાન કરે, કેટલાકને કાઢી મૂક્યા, કેટલાક જતા રહ્યા. જુગારના - સટ્ટાના રવાડે ચડીને ભારે ખોટ કરી. યૌવન, સત્તા, ધન અને વિવેકહીન વ્યવહારે પેઢીને ડુબાડી.
આ બાબત સમજાવતું હિતોપદેશનું એક સુભાષિત છે :
यौवनं धनसंपत्तिः
प्रभुत्वं अविवेकिता।
एकैकमपि अनर्थाय
किमु यत्र चतुष्टयम्।
प्रभुत्वं अविवेकिता।
एकैकमपि अनर्थाय
किमु यत्र चतुष्टयम्।
યૌવન, ધનસંપત્તિ, સત્તા અને વિવેકહીનતા પૈકી એકનો અતિરેક પણ અનર્થ સર્જનારો છે, તો, આ ચારે ભેગાં થાય ત્યારે કેટલો અનર્થ સર્જાય?
આવા નબીરાની રંજાડનાં ઉદાહરણો આજે શોધવાં પડે તેમ નથી. બાપ્ના ઊંચા હોદ્દાનો દુરુપયોગ પણ સામાન્ય છે. નિયંત્રિત યૌવન, સંપત્તિનો દુર્વ્યય નહિ, સત્તાનું અભિમાન નહિ અને વિવેકી વ્યવહારનો કોઈ વિકલ્પ નથી.
No comments:
Post a Comment