- ૨ રૂપિયાની ટેબ્લેટ ૨૦૦ રૂપિયામાં મળે ત્યારે
- ૫૦૦ રૂપિયાની દવા માત્ર પાંચ રૂપિયામાં મળે તો કેવું?
- દવાઓ બે પ્રકારની હોય છે (૧) બ્રાન્ડેડ અને (૨) જેનેરિક
- બંનેની કિંમતમાં આકાશ-પાતાળ જેટલું અંતર હોવા છતાં દવાની અસર એક જેટલી જ!
- જો કેન્દ્ર સરકારની ઇચ્છાશક્તિ હોય તો ૫૦૦ રૂપિયાની દવા પાંચ રૂપિયામાં મળી શકે છે.
- દર વર્ષે ભારત ૪૫ હજાર કરોડ રૂપિયાની જેનેરિક દવાની નિકાસ કરે છે પણ ભારતના લોકોને તે મળતી નથી.
ભારતમાં જે વસ્તુની કિંમતોમાં આગ લાગી છે તેવી બે વસ્તુનું નામ લેવું હોય તો તે ‘પેટ્રોલ’ અને ‘દવા’ (મેડિસિન્સ) છે. બંને વસ્તુ સરકારી નિયંત્રણથી મુક્ત છે એટલે તેની કિંમતો પણ હદથી વધારે છે. પણ, સરકારમાં ઇચ્છાશક્તિ હોય તો આ બંને વસ્તુની કિંમત હદથી પણ વધારે ઓછી કરી શકે છે. પેટ્રોલમાં ટેક્સ ઘટાડીને અને દવાઓમાં જેનેરિક દવાઓનો ઉપયોગ કરી, કરાવીને આ બંને વસ્તુઓની કિંમત ઘટાડી શકાય છે. પેટ્રોલ વિશે તમે ઘણું જાણો છો, માટે અહીં જેનેરિક દવા વિશે થોડું જાણીશું. તમને ખ્યાલ હોય તો તાજેતરમાં જ ‘સત્યમેવ જયતે’ના ત્રીજા એપિસોડમાં જેનેરિક દવાઓનો મુદ્દો ઉઠાવાયો હતો. જરા વિચારો... કેન્સર માટેની જે દવા ૪૦૦૦ રૂપિયામાં મળતી હોય તે જ દવા, તેટલી જ અસરકારક, તે જ તત્ત્વો (સૉલ્ટ)વાળી દવા તમને માત્ર ૨૦૦ રૂપિયામાં મળી જાય તો...? આ એકદમ શક્ય છે. માત્ર દવાઓમાંથી ‘બ્રાન્ડ’ કાઢી નાખવાની છે. કેવી રીતે? આવો સમજીએ....

દવાઓની દુનિયામાં કંઈક આવું જ ચાલે છે. શરદી, તાવ, ઉધરસ અથવા અન્ય રોગોને મટાડવા માટે એકાદ-બે તત્ત્વો (સૉલ્ટ)માંથી બનેલી ટેબ્લેટ દર્દીને આપવાની હોય છે, જેમ કે ડાયાબિટીઝના દર્દીને ‘ગ્લાઈમપીરાઈડ’ નામનું સૉલ્ટ આપવાનું હોય છે. હવે બજારમાં ગ્લાઈમપીરાઈડ તત્ત્વની સામાન્ય ટેબ્લેટ પણ મળે છે અને આ જ તત્ત્વનો ઉપયોગ કરી બનાવેલી અનેક બ્રાન્ડેડ કંપ્નીઓની ટેબ્લેટ પણ મળે છે. બંનેની કિંમતમાં આકાશ પાતાળનો ફરક છે. ગ્લાઈમપીરાઈડની સામાન્ય દવા માત્ર બે રૂપિયામાં દસ ટેબ્લેટ મળી જાય છે અને એ જ ગ્લાઈમપીરાઈડવાળી બ્રાન્ડેડ કંપ્નીની દસ ટેબ્લેટ મેડિકલ સ્ટોરમાંથી ૧૨૫ રૂપિયામાં મળે છે. બે રૂપિયામાં મળતી અને ૧૨૫ રૂપિયામાં મળતી આ ટેબ્લેટમાં ફરક માત્ર ‘બ્રાન્ડ’નો જ છે. આ ટેબ્લેટ એક જ તત્ત્વોની બનેલી છે, તેની અસર પણ એકસરખી છે, ફરક છે તો માત્ર કિંમત અને બ્રાન્ડનો !
- - -
ઉપર્યુક્ત બે ઉદાહરણો માત્ર સમજવા માટેનાં છે. એક આપણી સાદી ભાષામાં છે અને બીજું ઉદાહરણ ડૉક્ટરની ભાષામાં છે. તત્ત્વને સમજવા ‘હળદર’નો ઉલ્લેખ કર્યો છે, બાકી હળદરની ટેબ્લેટ ડૉક્ટરો લખતા નથી ! રોગને મટાડવાનું મુખ્ય તત્ત્વ (સૉલ્ટ) કયું તે સમજવા આ ઉદાહરણ અપાયું છે. ‘હળદર’ અને ‘ગ્લાઈમપીરાઈડ’ મુખ્ય તત્ત્વો છે. આવી જ એક જડીબુટ્ટી છે સર્પગંધા. તેનું લેટિન નામ સર્પિના છે. સર્પગંધા બ્લડપ્રેશરની દવા છે. સર્પિના નામથી બ્રાન્ડ ટેબ્લેટ પણ મળે છે.
- - -
જેનેરિક દવા એટલે શું ?
દવાઓનાં બે નામ હોય છે એક ‘જેનેરિક’ નામ અને બીજું ‘બ્રાન્ડેડ’ નામ, જેમ કે ‘પેરાસીટામોલ’ જેનરિક નામ છે અને પેરાસીટોમોલ તત્ત્વમાંથી બનેલી ‘ક્રોસીન’, ‘મેટાસીન’ વગેરે બ્રાન્ડ નેમ છે. એક જ જેનેરિક નામવાળી દવા બજારમાં અનેક બ્રાન્ડ નેમથી વેચાય છે. જેનેરિક નામથી પણ દવા મળે છે, પણ તે ડૉક્ટરે લખવી પડે. બ્રાન્ડેડ દવાઓ કરતાં જેનેરિક દવાઓ એકદમ સસ્તી હોય છે.
દવા કંપ્નીઓ હંમેશાં રોગને મટાડનારા તત્ત્વની શોધ કરતી હોય છે. કંપ્નીઓ તેની શોધ કરી દવા બનાવી તેની પેટન્ટ કરાવી લે છે. આ પેટન્ટ દસ-બાર વર્ષ સુધી જ હોય છે. ત્યાં સુધી દવા કંપ્ની આ દવા પર મનમાની કિંમત વસૂલ કરે છે, પણ મહત્ત્વની વાત એ છે કે કંપ્ની જે દવા બનાવે છે તેની રીત (ફોર્મ્યુલેશન)ની પેટન્ટ હોય છે. દવા બનાવવામાં જે તત્ત્વોનો કંપ્ની ઉપયોગ કરે છે તેના પર તે કંપ્નીને પેટન્ટ ન મળે, તેથી તે તત્ત્વોનો ઉપયોગ કરી કોઈ પણ તે જ દવા જાતે બનાવી શકે છે. આ જાતે બનાવેલી, બ્રાન્ડ કે પેટન્ટ વગરની દવા એટલે જ જેનેરિક દવા. જેનેરિક દવા બનાવતી કંપ્નીઓ અઢળક છે, જે ખૂબ સસ્તી દવાઓ બનાવે છે, જેમ કે "Lbuprofen' ખૂબ જૂની અને બ્રાન્ડ ધરાવતી દવા છે, પણ તે જ તત્ત્વોમાંથી બનેલી Nurofen, Brufen જેવી જેનેરિક દવા બજારમાં મળે છે. જેનેરિક એટલે કે મૂળભૂત તત્ત્વ (ઔષધ) અને એ જ તત્ત્વ, એટલા પ્રમાણમાં જ વાપરીને બનતી બ્રાન્ડ મેડિસીનના ભાવમાં જ આસમાન જમીનનો ફરક હોય છે, અસર એકસરખી હોય છે. દા.ત., પાંચ રૂપિયાની સાદી દવા પાંચસો રૂપિયામાં ખરીદવી પડે. બ્રાન્ડમાં પણ જેમ કંપનીનું નામ મોટું તેમ ભાવ વધારે હોય એવું પણ બને છે. એક કંપની અગાઉ એબ્રોમા ઑગસ્ટા લિક્વીડ નામની દવા સ્ત્રીઓના પ્રદર(લોહીવા - સફેદ પાણી જવું) માટે બનાવતી હતી. એબ્રોમા ઑગસ્ટા આપણી જડીબુટ્ટી ઊલટકમલનું લેટિન નામ છે. ઊલટકમલનો ઉકાળો વૈદ્યો આપતા, અને તે ખૂબ સસ્તો પડતો. એક અહેવાલ મુજબ અમેરિકા અને યુરોપના દેશોમાં એઈડ્ઝના દરદીને વર્ષે ૩૦ હજાર ડૉલર ચૂકવવા પડે છે. ભારતમાં એવી જ દવા માટે ‘સિપ્લા’ રોજનો માત્ર એક ડૉલર લે છે. રોજના ૨૫૦૦ સામે માત્ર એક ડૉલર !
વૈજ્ઞાનિક ભાષામાં કહીએ તો જેનેરિક દવા એટલે "મૂળ લેટિન ‘જીનસ’ ઉપરથી ‘જેનેરેરિન’ શબ્દ બન્યો છે, તેના ઉપરથી ‘જેનેરિક’ થયું, તેનો અર્થ થાય છે જેની કોઈ બ્રાન્ડ ન હોય તેવી, કોઈ કુળનામ (ગોત્ર) કરતાં અલગ સર્વસામાન્ય તત્ત્વ...
થોડાંક તત્ત્વોનાં ઉદાહરણ...
માત્ર ને માત્ર બ્રાન્ડ નેમના કારણે આપણને દવાઓની રિયલ કિંમત કરતાં દસગણા, ચારસો ગણા પૈસા વધારે ચૂકવવા પડે છે. જેમ કે, તાવ આવ્યો છે તો તેના ઉપચાર માટે જે દવા બનાવાય છે, તેમાં સૉલ્ટ તરીકે સેટરીઝાઈન સૉલ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. આ દવાનું ઉત્પાદન કરી યોગ્ય પેકેજિંગ કરી વેચતાં તેની દસ ગોળીની કિંમત માત્ર થોડા પૈસા જેટલી જ છે, પરંતુ સેટરીઝાઈન સૉલ્ટનો ઉપયોગ કરી તાવ મટાડવાની ટેબ્લેટ બનાવતી બજારમાં અઢળક બ્રાન્ડેડ દવા કંપ્નીઓ છે, જેની દસ ગોળી આપણને ૩૫ રૂપિયામાં પડે છે.
એ જ રીતે મલેરિયાના દર્દીને જે ત્રણ ઇન્જેક્શન આપવામાં આવે છે, તેની જેનેરિક કિંમત માત્ર ૨૫ રૂપિયા જ છે, પરંતુ તે જ તત્ત્વમાંથી બનેલા બ્રાન્ડેડ ઇન્જેક્શનની કિંમત બજારમાં ૩૦૦ થી ૪૦૦ રૂપિયા છે. એ જ રીતે મરડા માટેની દવા જે તત્ત્વમાંથી બને છે, તેનું નામ ડૉમપેરિડૉન સૉલ્ટ છે. તેની દસ ગોળીની કિંમત માત્ર ૧.૨૫ પૈસા છે. જ્યારે ડૉમપેરિડૉનમાંથી બનેલી બ્રાન્ડેડ દવા ૩૩ રૂપિયામાં બજારમાં વેચાય છે.
જે દવા આપણને પાંચ પૈસામાં મળી શકે તેમ હોય તે દવા આપણે ૫૦૦ રૂપિયામાં ખરીદી રહ્યા છીએ. આવું કેમ ? એક તો આપણને ખબર નથી અને બીજું આપણા ડૉક્ટરો જેનેરિક દવા લખી આપતા નથી. ડૉક્ટરો જેનેરિક દવા કેમ લખી આપતા નથી તેનાં પણ અનેક કારણો છે, અને ત્રીજું આપણી કેન્દ્ર સરકારની જરા પણ ઇચ્છાશક્તિ નથી કે આપણા ગરીબ દર્દીઓને મફતમાં દવા મળે અથવા દવા કંપ્નીઓની ઉઘાડી લૂંટ કેન્દ્ર સરકારને દેખાતી નથી.
ડૉક્ટરો શા માટે જેનેરિક દવાનું નામ લખતા નથી?
જ્યારે એક એમ. બી. બી. એસ.નો વિદ્યાર્થી પરીક્ષા આપવા બેસે છે અને તેને પ્રશ્ર્નપત્રમાં પુછાય છે કે ડાયાબિટીઝના દર્દીને અપાતી દવાનું નામ શું ? વિદ્યાર્થી તરત જ ‘ગ્લાઈમપીરાઈડ’ લખે છે. ડાયાબિટીઝનું આ પાયાનું ઔષધ છે. પણ એ જ વિદ્યાર્થી ડૉક્ટર બની જાય ત્યારે જેનેરિક દવાને બદલે મોંઘી બ્રાન્ડેડ દવા લખે છે. એણે દવા તો સાચી લખી પણ આ ડૉક્ટરે જે કંપની કમિશન આપે તેની બ્રાન્ડ લખે છે. આ અપવાદ હોઈ શકે, કારણ ઘણા ડૉક્ટરો દરદીના ખિસ્સાનું પણ ધ્યાન રાખે છે અને એને નુકસાન નથી થવા દેતા. ઘણા ડૉક્ટરો દર્દીની દિલથી સેવા કરે છે, પણ ઘણા એવા ડૉક્ટરો પણ છે જે દર્દીના દિલ પરના ખિસ્સાને ધ્યાનમાં રાખી દર્દીની સેવા કરે છે. 'Cut System’ તો તમને ખબર જ હશે ! હેલ્થ ક્ષેત્રે વર્ષોથી કામ કરતા ડૉ. ગુલાટીનું તો કહેવું છે કે આ કમિશનનું પ્રમાણ ૩૦ ટકાનું છે. જો કે બધા ડૉક્ટરો આવા નથી હોતા.
જોકે ડૉક્ટરોની જેનેરિક દવાઓ પર પોતાની એક અલગ જ ટિપ્પણી છે. ડૉક્ટરોનું કહેવું છે કે જેનેરિક દવાનું નામ લખવામાં અમને કોઈ વાંધો નથી, પણ તે દવા બજારમાં દર્દીને મળશે કે કેમ તે એક પ્રશ્ર્ન છે? પણ કોઈ ડૉક્ટર લખે નહિ, માગ ન હોય તો દવાવાળા શા માટે રાખે ? બ્રાન્ડેડ કંપ્નીઓનું કહેવું છે કે અમે ડૉક્ટરોને કોઈ કમિશન આપતા નથી. અમારા એમ. આર. ડૉક્ટરો પાસે જાય છે. દવા વિશે જાણકારી આપે છે, બસ.
કોણ સાચું કોણ ખોટું તે સૌ જાણે છે. એક રિપોર્ટ પ્રમાણે દવા કંપ્નીઓ એક ડૉક્ટર પાછળ સરેરાશ ૧,૩૦,૦૦૦નો વાર્ષિક ખર્ચ કરે છે. ડૉક્ટરોને ગિફ્ટ આપવી, મોંઘી હોટલોમાં પાર્ટી આપવી, અન્ય નાની-મોટી ફેવર કરવી, ફેમિલી સાથેની વિદેશ ટ્રિપ આ બધું આમાં આવી જાય છે. ડૉક્ટરોને આડકતરી રીતે બધું જ આ કંપ્નીઓ પ્રોવાઈડ કરે છે. બદલામાં આ ડૉક્ટરોએ માત્ર તેની બનાવેલી દવાનું નામ લખી આપવાનું હોય છે.
વિદેશી દવા કંપ્નીઓ માટેનું વિશાળ માર્કેટ એટલે ભારત
વિદેશી દવા કંપ્નીઓને ભારતમાં દવાનું વિશાળ માર્કેટ દેખાય છે. આટલી બધી વસ્તી અને એમાંય વળી સરકાર અને ડૉક્ટરોની દોસ્તી... તેમની બનાવેલી દરેક દવા બજારમાં ખપાવી જ દેશે. તમને ખબર છે ? વિદેશી કંપ્નીઓ ભારતીય દવા બનાવતી કંપ્નીઓને અનેકગણા પૈસા આપીને ખરીદી રહી છે. ૨૦૦૧માં દવાક્ષેત્રે ૧૦૦ ટકા વિદેશી મૂડીરોકાણને માન્યતા મળી ત્યારથી લઈને અત્યાર સુધીમાં અનેક ભારતીય દવા કંપ્નીઓ વિદેશી કંપ્નીઓના હાથમાં આવી ગઈ છે. ૨૦૦૬માં નાની ભારતીય કંપ્ની મેટ્રિક્સ લૅબને અમેરિકાની માયલાન કંપ્નીએ ખરીદી લીધી. ૨૦૦૮માં ડાબર ફાર્માને ફ્રેસિયસ કેવીએ, રેનબૅક્સીને જાપાનની દવા કંપ્ની દાયચી સેક્યોએ, શાંતા બાયોટેક કંપ્નીને સનોફી અવન્તિએ તથા ૨૦૦૯માં આર્કિડ કેમિકલ્સને હોસ્પીરાએ ખરીદી લીધી. તાજેતરમાં જ એબટ લેબોરેટરીઝે ભારતની સૌથી અગ્રીમ સ્થાનની પીરામલ હેલ્થકેરને ૩.૭૨ અબજ ડૉલરમાં (લગભગ ૧૭,૫૦૦ કરોડ રૂપિયા) ખરીદી લીધી છે.
દુર્ભાગ્યની વાત તો એ છે કે દવાક્ષેત્રે વિદેશી કંપનીઓનું જોર ભારતમાં વધી રહ્યું છે. ભારતીય કંપનીઓને દસ ગણા પૈસા આપી આ વિદેશી બહુરાષ્ટ્રીય કંપનીઓ ખરીદી રહી છે. મતલબ સ્પષ્ટ છે. આ વિદેશી કંપનીઓને ભારતના દવા બજારમાં એકહથ્થુ શાસન ચલાવવું છે. એક જાણકારી માટે ભારત આજે પણ વર્ષે ૪૫ હજાર કરોડ રૂપિયાની ગુણવત્તાયુક્ત જેનેરિક દવા નિકાસ કરે છે. વિકસિત દેશોમાં દવાઓનું બજાર ૨થી ૩ ટકાના દરે આગળ વધી રહ્યું છે ત્યારે ભારતનું દવા બજાર ૧૫થી ૨૦ ટકાના દરે આગળ ધપી રહ્યું છે. વિકસિત દેશોમાં વધતી હરીફાઈના કારણે બહુરાષ્ટ્રીય દવા કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે. તેથી આ કંપનીઓ ભારત અને ચીન તરફ વળી છે.
કેન્દ્ર સરકારની ઇચ્છાશક્તિ જ નથી!
ગરીબોને સસ્તામાં સસ્તી દવા મળે તે માટેની કામગીરી કરવાની કેન્દ્ર સરકારની જરા પણ ઇચ્છાશક્તિ જણાતી નથી. રાજસ્થાનની સરકારે આ માટે પહેલ કરી છે. ત્યાં અનેક જગ્યાએ જેનેરિક દવાના સ્ટોલ ખોલી રહી છે. પણ આપણી કેન્દ્ર સરકારને દવાઓની વધતી કિંમત જરા પણ દેખાતી નથી. દવાક્ષેત્રે સેવાકીય કાર્ય કરતા ડૉ. ગુલાટીએ તો એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે ૨૦૦૬માં સંસદીય સમિતિનો એક રિપોર્ટ હતો, જે હાલ આયોજન પંચ પાસે છે. તેમાં જણાવ્યું હતું કે જેલેસિલ, ડાયજિન જેવી અનેક દવાઓ ભારતમાં વેચાઈ રહી છે જેની કોઈ જરૂર જ નથી. તેમ છતાં આ દવાઓનું વાર્ષિક ટર્નઓવર ૫૦ કરોડ કરતાં પણ વધારે છે. આ દવાઓ પર પ્રતિબંધ લાદવાને બદલે ચૂપચાપ જોઈ રહી છે. આવું માત્ર ભારતમાં જ બની શકે. અનેક પ્રતિબંધિત દવાઓનું બજાર ભારત હાલ બની રહ્યું છે. વિદેશમાં જે દવા નથી વેચાતી તે ભારતના દર્દીઓને ખવડાવી દેવાય છે. સરકારને આ બધી જ ખબર હોવા છતાં આંખ-કાન બંધ રાખી વિદેશી હૂંડિયામણ મેળવવા ચૂપ રહે છે.
એવું કહેવાય છે કે આપણને આર્થિક સમૃદ્ધિ ત્યારે જ મળશે જ્યારે દરેક ભારતીય સ્વસ્થ હશે. આપણો જીડીપી (કાચી ગૃહપેદાશ)નો માત્ર દોઢ ટકા ખર્ચ જ સાર્વજનિક સ્વાસ્થ્ય સેવા ઉપર કરવામાં આવે છે. દર વર્ષે જ્યાં હજારો બાળકો પ્રાથમિક ઉપચાર ન મળવાથી મૃત્યુ પામતાં હોય ત્યાં સાર્વજનિક સ્વાસ્થ્ય સેવા પર માત્ર દોઢ ટકા જ ખર્ચ? સંરક્ષણ કરતાં સ્વાસ્થ્ય સેવામાં આજે રૂપિયા ખર્ચવાની વધુ જરૂર છે.
આજે દેશને જરૂર છે વધુ ને વધુ સરકારી મેડિકલ કૉલેજોની. આજે આપણા યુવાનો ૫૦થી ૬૦ લાખ રૂપિયાનું ડોનેશન આપીને મેડિકલ કૉલેજમાં ભણી રહ્યા છે. આવી કૉલેજોમાં યોગ્ય સુવિધાઓ પણ હોતી નથી. હવે આવી રીતે તૈયાર થયેલા ડૉક્ટરો કમિશન નહિ લે તો શું કરશે ! સરકારે વધુ ને વધુ સરકારી મેડિકલ કૉલેજ ખોલી હોંશિયાર વિદ્યાર્થીઓને, ગરીબ વિદ્યાર્થીઓને ડૉકટર બનવાની તક આપવી જોઈએ, અને આવું ત્યારે જ બને જ્યારે કેન્દ્ર સરકારની ઇચ્છાશક્તિ હોય. આપણી કાચી ગૃહપેદાશના ૮ ટકા સાર્વજનિક સ્વાસ્થ્ય સેવા પાછળ સરકાર ખર્ચે તો આ બધું શક્ય બની શકે તેમ છે. બાકી ડૉક્ટર, સરકાર અને બહુરાષ્ટ્રીય દવા કંપનીઓની આ લૂંટ ગરીબોને આ દેશમાં જીવવા નહિ દે!
સુપર પાવર, મિસાઇલ પાવર, પરમાણુ પાવર, અંતરિક્ષ પાવર આવા તો અનેક ‘પાવર’ ભારત સાથે જોડાઈ ગયા છે. વિકાસશીલ દેશના આવા અનેક ‘પાવર’ જોઈને દરેક ભારતીયની છાતી ગજ-ગજ ફૂલે છે. પણ એનાથી તદ્દન ઊલટું, કોઈ ગરીબ માણસને રસ્તા વચ્ચે ભૂખ્યો ટળવળતો જોઈને, કુપોષણથી મરતાં અનેક બાળકોને જોઈને, ગરીબોની દયનીય સ્થિતિ જોઈને, માત્ર બે રૂપિયાની દવાના અભાવના કારણે મરતાં બાળકોને જોઈને આપણને જરા પણ શરમ નથી આવતી! ગરીબી અને અમીરી વચ્ચેની ખાઈ વધી રહી છે ત્યારે જરૂર સવાલ થાય છે કે દુનિયાને પોતાની શક્તિ બતાવવા ચંદ્ર પર પહોંચવું જરૂરી છે? આવી વાતોને આજકાલ નેગેટિવ ગણવામાં આવે છે, પણ એક બાળકનું સાવ સાધારણ તાવથી મૃત્યુ થાય, જેનો ઉપચાર એકદમ શક્ય હોય, પણ પૈસાના અભાવે તે બાળક મૃત્યુ પામે તેનાથી વધારે દુ:ખ બીજું શું હોઈ શકે? સરકાર ધારે તો એક મિનિટમાં કાયદો પસાર કરીને ડૉક્ટરોને જેનેરિક દવાનું નામ દર્દીઓને લખી આપવા ફરમાન કરી શકે છે. પણ આ માટે સરકારે પણ અનેક જગ્યાએ જેનેરિક દવાના સ્ટોલ ખોલવા જરૂરી બને છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ભેગા મળીને આ પહેલ કરવા જેવી છે. કમસે કમ સરકારી હૉસ્પિટલોમાં તાત્કાલિક જેનેરિક સ્ટોલ ખોલવાની જરૂર છે. આપણે હંમેશાં એ યાદ રાખવું જોઈએ જે દેશમાં દવા વિના માણસનું મૃત્યુ થતું હોય તે દેશ ક્યારેય વિકાસ ન જ કરી શકે.
રૂપિયા ૨,૮૦,૪૨૮ની દવા માત્ર ૮૮૦૦ રૂપિયામાં વેચે છે આ માણસ...
૬૬ વર્ષના વી. સી. નન્નાપાણેની પોતાની કૅન્સર વિરોધી દવા સાવ સસ્તા ભાવે વેચવા તૈયાર છે. કિડની અને લિવરના કૅન્સર માટે આ દવા જીવનરક્ષક છે. આશ્ર્ચર્યની વાત તો એ છે કે આજે ‘નેક્સાવર’ કંપનીની બ્રાન્ડેડ દવા એક મહિના માટેની ૧૨૦ ટેબ્લેટ રૂપિયા ૨,૮૦,૪૨૮માં બજારમાં મળે છે. આ દવામાં સોરાફેનેટ નામનું તત્ત્વ છે. આજ તત્ત્વમાંથી બનેલી ‘નેક્સાવર’ કંપનીએ બનાવેલી દવા જેટલી જ અસરકરાક જેનેરિક દવા માત્ર ૮૮૦૦ રૂપિયામાં મળી શકે છે. વી. સી. નન્નાપાણેની ૩૧ વર્ષની જૂની નેટકો ફાર્મા લિમિટેડ કંપની હવે આ સસ્તી દવા બનાવશે. કંપનીને દવા બનાવવા કંટ્રોલર ઑફ પેટન્ટે લાઇસન્સ પણ આપી દીધું છે. ટૂંક સમયમાં નેટકો કંપની કિડની-લિવર માટે જેનેરિક દવા બનાવશે અને માત્ર રૂ. ૮૮૦૦માં વેચશે.
આપણી જડીબુટ્ટીનો ઉપયોગ
આજકાલ ‘એલોવેરા’ નામનું ઘણાને ઘેલું લાગ્યું છે, ખાસ કરીને સૌંદર્યનિખાર માટે ઉત્સુક યુવતીઓમાં. આ એલોવેરા એટલે આપણું કુંવારપાઠું. ઘરના વાડામાં રોપી દો તો ફૂલેફાલે, ઓછા પાણીએ અને ગમે તે જમીનમાં. વિકસિત કુંવરનાં પાન બે અઢી ફૂટ લાંબાં અને અડધો પોણો ઇંચ જાડાં હોય છે, કિનાર ઉપર કાંટા હોય છે. લિવર માટેની એ ઉત્તમ દવા કહેવાય છે. ૨૦-૨૫ ગ્રામ કાચો ગર હળદર મીઠા સાથે લેવાથી ઝડપી ફાયદો થાય છે. પણ ટ્વિલાઈટ ફાર્માએ બનાવેલ પોષક ફૂડ સપ્લીમેન્ટ ૨૫૦ ગ્રામના રૂ. ૮૦૦ના ભાવે વેચાય છે. તેમાં પ્રોટીન માટે સોયાબીન આઈસોલેટ અને પ્રતિરોધક તરીકે એલોવેરા એક્સ્ટ્રેક્ટ (સત્ત્વ) છે.
મેલેરિયાની જાણીતી દવા ક્વિનાઈન, સિંકોના નામના છોડની છાલનું સત્ત્વ છે. સાદી ક્વિનાઈન ગોળી સાવ સસ્તી છે, પણ એની અનેક બ્રાન્ડેડ દવાઓ અને ઇન્જેક્શન મોંઘાંદાટ છે.
આપણી જ ઘણી વનસ્પતિ દવાઓ - જડીબુટ્ટી એલોપેથિયક દવાઓમાં પણ વપરાય છે. માત્ર તેનાં નામ લૅટિન-ગ્રીક હોય છે, અને આપણે ભોળવાઈ જઈએ છીએ. દા.ત., હરિદ્રા (હળદર) કુરુકુમા લોંગ, હરિતકી (હરડે) ટર્મિનાલિયા ચેબુલા, તજ સિન્નામોમ કેસિયા, લવિંગ (ઈહજ્ઞદય)ને ‘કેરિયોફિલ્સ એરોમેટિક્મ’ અથવા ‘સીઝીજીયમ એરોમેટિક્મ’ કહેવાય છે.
વાવડિંગ (વિડંગ)ને ‘એમ્બેલિયા રીબેસ’ અને જેઠીમધને ગિલ્સરીઝા ગાલ્બ્રા કહેવાય છે. ટિંક્ચર ગિલ્સરીઝા એલોપેથિક દવા છે, અને મોંઘી છે. શરદી માટે વપરાય છે, એ જેઠીમધનો અર્ક અથવા આસવ જ છે.
શરદી માટેની દવા અરડૂસી વસાકા નામથી જાણીતી છે, એનું લેટિન નામ અધાતોડા વાસિકા છે. ‘સિરપ વસાકા’ અરડૂસીનો ઉકાળો - શરબત જેવો છે. તાવમાં વપરાતી ગળોને ‘ટીનોસ્પોરા કોડીફોલિયા’ અને તુલસી ‘ઓસીમમ સેન્ક્ટમ’ અથવા ‘ઓસીમમ બેસિલિકમ’ નામથી વપરાય છે. દ્રાક્ષ માટે પણ ગ્રેપને બદલે ‘વિટિસ વિનીફેરા’ જેવું અટપટું નામ લખાય છે. દ્રાક્ષાસવ જાણીતી આયુર્વેદિક દવા છે, ભૂખ ઉઘાડનાર ટોનિક છે. કુમારીઆસવ અને દ્રાક્ષાસવ લિવરના દરદીને અપાય છે. આ મૂળભૂત તત્ત્વો છે. તેને બ્રાન્ડ નેમ આપતાં જ ભાવ આસમાને પહોંચી જાય છે.
એક અનુભવ
એક ભાઈને ઍસિડિટી હતી. ફ્રૂટસૉલ્ટ જેવું પીણું લેતા. ગામડે ગયા અને ઍસિડિટી થઈ. ફ્રૂટસૉલ્ટ હતું નહિ. એક માજીએ અડધા લીંબુના પાણીમાં અડધી ચમચી ખારો (ખાવાનો સોડા) નાખીને આપ્યું. ફ્રૂટસૉલ્ટ જેવો જ ઊભરો આવ્યો અને પિત્ત શાંત થઈ ગયું. ઈનો ફ્રૂટ સૉલ્ટની બોટલ રૂ. ૮૦માં મળે છે. માજીએ બનાવ્યો તે ફ્રૂટસૉલ્ટનો જ પ્રકાર હતો.
- હિતેશ સોંડાગર