કોઈ એક સ્થળે માછીમારો માછલાં પકડતા હતા. એક સમળી નીચે ઊતરી આવી અને ઝાપટ મારી એક માછલી ઉપાડી ગઈ, માછલી જોઈને હજાર જેટલા કાગડા એ સમળીની પાછળ પડ્યા અને ‘કા, કા’ કરવા મંડ્યા. માછલી સાથે સમળી જે તરફ ઊડે તે તરફ કાગડાઓ પણ ઊંડે. સમળી દક્ષિણ દિશામાં ગઈ તો કાગડા એની પાછળ એ દિશામાં ગયા. સમળી ઉત્તરમાં ગઈ તો કાગડા ત્યાં પણ પાછળ ગયા. સમળી પૂર્વ-પશ્ર્ચિમમાં ગઈ તોયે પરિણામ એ જ. ગભરાટમાં સમળી આમતેમ ઊડવા લાગી તો, એના મોંમાંથી માછલી સરી પડી. કાગડાઓએ સમળીને પડતી મૂકી અને માછલીની પાછળ ઊડ્યા. આમ ઉપાધિમુક્ત થઈને, એક ઝાડની ડાળે બેસી સમળી વિચારવા લાગી, ‘પેલી દુષ્ટ માછલી જ મારી બધી પીડાનું મૂળ હતી. હવે એમાંથી મુક્ત થઈ ગઈ એટલે મને પરમ શાંતિ થઈ.’ સંસારની તૃષ્ણાઓ રૂપી માછલી મનુષ્ય પાસે છે ત્યાં સુધી, એણે કર્મો કરવાં પડે ને પરિણામે ચિંતા, ઉપાધિ અને અશાંતિનો ભોગ બનવું પડે છે. આ તૃષ્ણાઓ જેની પ્રકૃતિ છે; તે પ્રકૃતિનું સાધના અને આત્મનિરિક્ષણ દ્વારા રૂપાંતર થાય... ત્યારે જ મનુષ્યને પરમ આત્મશાંતિ અને પ્રસન્નતાની અનુભૂતિ થઈ શકે !
No comments:
Post a Comment