Jul 19, 2013

જીવ્યું લેખે લાગ્યું

સંતોની દુનિયાને દેશ-પરદેશ કે સીમ-સીમાડાની કેદ હોતી નથી. ભગવાનના કે ભગવાનના ભક્તોના ગુણ ગાતાં સ્થળ-કાળ જુએ કે થાકે-કંટાળે એ ભક્ત શેનો ? એ વ્યવસાયમાં વીતે તેટલો વખત જ લેખે, બીજો બધો કાલક્ષેપ અલેખે, એ એક જ હિસાબ સાચો છે, બીજી બધી આળપંપાળ છે.

એક સત્સંગીને મોઢે સાંભળેલી આ વાત છે.

એક ગામે કોઈ નવું ખેડૂતકુટુંબ વસવાટને ઇરાદે હળ-ઓજાર, ઘરવખરી લઈને આવ્યું. ગામભાગોળે તળાવની પાળે હારબંધ પાળિયા. દરેક ઉપર મરનારનું નામ અને આયુષ્યની અવધિ નોંધેલી છે. છ-બાર માસ, વરસ-બે વરસ; ત્રણ-ચાર વરસથી વધુ કોઈ નહીં !

ગામલોકો આટલા બધા અલ્પાયુષી ? કુટુંબે વસવાટનો નિર્ણય તત્કાળ ફેરવ્યો ને ગાડાં જોડી પાછાં જવા નીકળ્યાં.

ગામના ઘરડેરાઓએ આ જોયું ને પાછા વાળવા માણસ દોડાવ્યો, તે કુટુંબના મુખીને પાછો વાળી લાવ્યો.

‘કાં ? કેમ પાછા વળ્યા ? અમારો કાંઈ વાંકગુનો ?’

‘મા’જન, પાળિયા જોયા પછેં મન નો માન્યું. જે ગામમાં કોઈ પાંચ વરસેય નો જીવે, ત્યાં છોરુંવાછરું સોતાં રે’ણાંક કેમ કરીને કરાવો ?’

‘ભેરુ, તમે નો સમજ્યા. અમારું ગામ છે સત્સંગી. નારાયણને સંભારીએ એટલું જ જીવ્યું લેખે, બાકીનું અમે અલેખે ગણીએ. એટલે સૌ રોજરોજના નામકીર્તનની ઘડી નોંધે, ને મરે ત્યારે એટલું જ જીવ્યો એમ લખાય. ઈ નોંધ પાળિયા ઉપર છે. આ હૈયે બેસતું હોય તો તમતમારે નિરાંત જીવે ગાડાં પાછાં વાળો ને આવો.’

પેલાં પાછાં આવ્યાં ને જાતમહેનતે જીવી સત્સંગે ભવ તર્યાં.

No comments:

Post a Comment