નરેન્દ્ર દત્ત પારસમણિશા ગુરુદેવ રામકૃષ્ણની પરમકૃપાથી સંયુક્ત રાજ્ય અમેરિકા(યુ. એસ. એ.)ની વિશ્ર્વધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદ - એ હિન્દુ મંક આફ ઈન્ડિયા - એક ભારતીય સંન્યાસી તરીકે અપૂર્વ ખ્યાતિ પામ્યા. આ સંદર્ભમાં જ્યારે સ્વામીજીને પુછવામાં આવ્યું કે : આપ્ને આવી વિરલ સફળતા પ્રાપ્ત થઈ તેનું શું રહસ્ય છે ? વિવેકાનંદજીએ પ્રત્યુત્તરમાં જણાવ્યું : ‘મેં જે વિચારો અહીં પ્રગટ કર્યા તે મારા વિચારો નથી. એ માટે તો મારા ગુરુદેવ રામકૃષ્ણ પરમહંસ (કે જેમણે કોઈ શાળા - કાલેજમાં ઔપચારિક શિક્ષણ મેળવ્યું નહોતું)ની મારા ઉપરની પરમકૃપા જ કારણભુત છે.’ ગુરુદેવ રામકૃષ્ણે તેમના અંતિમ દિવસોમાં તેમની તમામ આધ્યાત્મિક ઉર્જાનો શક્તિપાત નરેન્દ્રમાં કર્યો હતો અને તેનાથી નરેન્દ્રનું ‘વિવેકાનંદ’માં રૂપાંતર થયું હતું. ગુરુ પોતાનું સર્વસ્વ શિષ્ય માટે ન્યોછાવર કરે છે. પોતાનો શિષ્ય પોતાના કરતાં સવાયો બને તેવી અંતરની શુભકામના દાખવે છે. શિષ્ય પણ ગુરુનો ગુરુપદે સ્વીકાર કરતાં પહેલાં ગુરુને સંપૂર્ણપણે નાણી જુએ છે, પણ એકવાર ગુરુપદની ગરિમાની અનુભૂતિ થાય કે પછી શિષ્ય પૂર્ણ સમર્પણથી ગુરુચરણને હૃદયમાં સંસ્થાપિત કરે છે. ભારતીય સંસ્કૃતિમાં ગુરુ - શિષ્યનો સંબંધ અનિર્વચનીય અને અનુપમેય છે - રામકૃષ્ણ - વિવેકાનંદ પણ આવી જ વિરલ પરંપરાના જ્યોતિપુંજશા ભારતીય અધ્યાત્મ જગતને આલોકિત કરી રહ્યાં છે !
No comments:
Post a Comment