Aug 25, 2013

કલ્પવૃક્ષ

એક વાર બનવાકાળ એવું બન્યું કે એક વટેમાર્ગુ થાક્યોપાક્યો એક વૃક્ષ નીચે આરામ કરવા બેઠો. વૃક્ષ કલ્પવૃક્ષનું હતું. વટેમાર્ગુ ભૂખતરસથી વ્યાકુળ હતો. એને થયું : ‘અહીં કોઈ માનો લાલ પાણી લાવી આપે તો કેવું!’

વિચાર આવતાં વાર જ સામે ચાંદીની ઝારીમાં પાણી આવીને હાજર ! પાણી પીને તૃપ્ત થયો એટલે વિચાર આગળ ચાલ્યો : ‘પાણી તો મળ્યું, પણ જો ખાવાનું મળી જાય તો કેવી મજા !’

ત્યાં તો સોનાની થાળીમાં ખાવાનું પણ હાજર.

પેટભર ખાધું કે વિચાર આવ્યો, જરા આડા પડવા ફક્કડ આરામદાયક બિછાનું મળી જાય તો ભયો ભયો !

ત્યાં તો સુંદર મચ્છરદાનીવાળું હવાથી ફરફરતું બિછાનું હાજર થઈ ગયું. આડો પડ્યો એટલે દિમાગમાં શેતાની ચરખો ચાલુ થયો. કહેવતમાં કહ્યું છે ને કે, ‘ખાલી મગજ શેતાનનું કારખાનું !’ આને વિચાર આવ્યો કે નક્કી કોઈ ભૂતની કરામત લાગે છે. ક્યાંક એ આવી ચડે તો ! અને વિચાર આવવાની જ વાર હતી, ભૂતમહાશય હાજર થઈ ગયા. વિકરાળ દાંતવાળો ને ઠેઠ આકાશ સુધી પહોંચતો લાંબો ને પહોળો. પેલો ગભરાયો.

‘અરે બાપ રે ! ક્યાંક મને કોળિયો કરી ગયો તો !’

બસ એટલી જ વાર હતી, ભૂત એનો કોળિયો કરી ગયો. વટેમાર્ગુની જીવનવાટ પળમાં પૂરી થઈ ગઈ.

આમેય ભોગવિલાસ ને સમૃદ્ધિ મગજમાં શેતાનનો ચરખો ચાલુ કરે છે, પણ પરસેવો પાડ્યા વગરની સુખસાહ્યબી ને ભોગવિલાસ તો એના ભોગવનારને જ ભરખી જાય છે. માટે શ્રમ ને સાદું જીવન એ આધ્યાત્મિક અને ઉન્નતિકારક મૂલ્યો કહેવાયાં છે, વિલાસિતા નહીં. માફકસરનું સુખ જ માનવ હજમ કરી શકે છે, સમાજના સ્વાસ્થ્ય માટે પણ એ જ જરૂરી છે.

No comments:

Post a Comment