Nov 7, 2013

અંધકાર અને અજવાસ

અંધકારે એક વાર પરમાત્માને ફરિયાદ કરી : ‘પ્રભુ ! પ્રકાશ મને જંપવા દેતો નથી. હું જ્યાં જાઉં ત્યાં આવીને મને હાંકી કાઢે છે, હું ક્યાંય શાંતીથી રહી જ શકતો નથી.’

પ્રભુએ જોયું - અંધકારની ફરિયાદમાં વજૂદ છે. રોજ રાત પડે અવની પર અંધકાર ઊતરી આવે છે અને તરત જ થોડીવારમાં પ્રકાશનો ઉદય થાય છે. અંધકાર સ્થિર થાય, ન થાય એ પૂર્વે જ પ્રકાશ તેને હાંકી કાઢે છે. હજારો, લાખો, વરસોથી આમ પ્રકાશે, અંધકારને ક્યાંય સ્થિર થવા નથી દીધો.

‘વત્સ ! તારી વાત સાચી છે.’ પ્રભુએ કરુણાભર્યંુ હસીને કહ્યું : ‘જા, તું પ્રકાશને મારી પાસે લઈ આવ. હું એને જરૂર કહીશ.’ પ્રભુએ પોતાની વાત સાંભળી છે એ જાણીને પ્રસન્ન થયેલા અંધકારે પ્રકાશને પકડીને પ્રભુ પાસે રજૂ કરવા હર્ષભેર દોટ મૂકી. પણ પ્રકાશના સામ્રાજ્યના સીમાડે પગ દેતા વેંત ખુદ અંધકારનું વિલોપ્ન થઈ ગયું. અંધકાર ઓગળી ગયો.

હારેલા, થાકેલા અંધકારે પ્રકાશને પકડવા માટે બીજી દિશામાંથી દોટ મૂકી. બીજી દિશામાંય એના તો એ જ હાલહવાલ થયા. જેવો પ્રકાશનો પ્રદેશ આરંભાય કે સ્વયં અંધકાર પ્રકાશમય બની જાય. જેવું અંધકારનું આત્મવિલોપ્ન થાય કે તરત જ પેલી ફરિયાદ, પ્રકાશ પ્રત્યેની અસૂયા અદ્શ્ય થઈ જાય. પ્રકાશના પ્રદેશમાં ન તો કોઈ ફરિયાદ રહે, ન કોઈ અસૂયા. આવું વર્ષોથી ચાલ્યું આવે છે, જે પ્રકાશ પાસે જાય એ પ્રકાશમય બની જાય છે. ખુદ અંધકાર પણ.

કથાનો સાર સ્વયંસ્ફૂટ છે. મુશ્કેલીઓ, આફત, અડચણોનાં અંધારા ગમે તેટલા હોય. એક વખત પ્રકાશની પાસે પહોંચીશું તો બધું જ અજવાળાસભર બની જશે. દીપોત્સવ પ્રકાશનું પર્વ છે. ભીતર - બહાર બધે જ પ્રેમ, કરુણા અને મમતાના દીપ પ્રગટાવી અંધારા પર વિજય મેળવીએ... અજવાસનો ઉલ્લાસ વેરીએ.

No comments:

Post a Comment