આઝાદી પૂર્વેના વડોદરા દેશી રાજ્યના મહારાજા સયાજીરાવ ગાયકવાડ એકવાર તેમની વડોદરા કાલેજના પ્રાધ્યાપક તરીકે કામ કરતા અરવિંદ ઘોષ સાથે વહેલી સવારના ઘોડેસવારી કરતાં કરતાં ફરવા નીકળ્યા હતા. શિયાળાની સવાર હતી અને ધુમ્મસ છવાયેલું હતું. એ બંને માર્ગ ઉપરથી પસાર થતા હતા ત્યારે રસ્તાની એક તરફથી એક ગરીબ બાઈનો અવાજ આવ્યો : ‘ભાઈ, ટોપલો ચડાવશો ?’ ઘોડાની લાદથી ભરાઈને પૂરેપૂરો લદાયેલો એ ટોપલો એ બાઈ એકલે હાથે પોતાને માથે મૂકી શકે તેમ ન હતી. એટલે એણે એ બંનેને વિનંતી કરી હતી, પણ એને ખબર ન હતી કે એ કોને વિનંતી કરી રહી છે, પરંતુ બાઈની વિનંતી સાંભળીને શ્રીમંત મહારાજા સયાજીરાવ પોતે ઘોડા ઉપરથી નીચે ઊતર્યા અને એમણે એ ભારે ટોપલો બાઈના માથા ઉપર ચડાવી આપ્યો. એ જોઈને સાથે રહેલા અરવિંદ ઘોષ હસી પડ્યા. એટલે મહારાજાને નવાઈ સાથે દુ:ખ પણ થયું. તેમણે તેમને એ રીતે હસવાનું કારણ પૂછ્યું ત્યારે જવાબમાં અરવિંદ ઘોષે જણાવ્યું હતું : ‘મને હસવું એટલા માટે આવે છે કે મહારાજા સયાજીરાવ જેવા શ્રીમંત સરકાર ગરીબ બાઈનો ભાર ચડાવે કે ઉતારે ?’ મહારાજા એ ટકોર સમજી ગયા. એટલે પછી એ ગરીબ બાઈને વડોદરા રાજ્ય સરકાર તરફથી કાયમી વર્ષાસન બાંધી આપવામાં આવ્યું અને એ ગરીબ બાઈનો ભાર કાયમ માટે ઊતરી ગયો. આવી હતી પોતાના રાજ્યના સામાન્ય માનવી પ્રત્યેની મહારાજા સયાજીરાવ ગાયકવાડની સંવેદનશીલતા....
No comments:
Post a Comment