Apr 27, 2014

અધૂરું નહીં પણ સંપૂર્ણ દર્શન જરૂરી

એકવાર એક ગામમાં એક હાથી આવ્યો. એને જોવા નાના મોટા સૌ ભેગા મળ્યા. બધા જ હાથીની ચર્ચા કરતા રહ્યા. એ ગામમાં દસ આંધળા રહેતા હતા. તેમણે વિચાર્યું કે ચાલો, આપણે પણ હાથી જોવા જઈએ. લોકો એમને હાથી પાસે લઈ ગયા. એમણે હાથીના શરીરને સ્પર્શ કર્યો. જેણે પગ પર હાથ ફેરવ્યો એણે કહ્યું કે હાથી થાંભલા જેવો છે. જેના હાથમાં હાથીની પૂંછડી હતી તે બોલ્યો, ‘અરે ! હાથી તો મોટા દોરડા જેવો છે.’ ત્રીજાએ હાથીના કાન પકડ્યા હતા. તે કહે : ‘હાથી શું છે ? એને એક જાતનું સૂપડું જ માની લો ને !’ જેનો હાથ હાથીની પીઠ પર ર્ફ્યો હતો એણે જાહેર કર્યું કે, ‘હાથી દીવાલ જેવો છે.’ આ રીતે સૌ પોતપોતાની અનુભૂતિ પ્રમાણે આવેગપૂર્વક પોતાની વાત કહેવા લાગ્યા. એમનામાં મોટો વિવાદ થઈ ગયો. આખરે એક દેખતા માણસે એમને સમજાવ્યું, ‘અરે ! તમે તો કેવળ હાથીના એક જ અંગને સ્પર્શ કર્યો છે. એને જ તમે સંપૂર્ણ હાથી માની બેઠા છો. આ બધું ભેગું કરી એમાં બીજી બાબતો ઉમેરીશું ત્યારે હાથીનું વર્ણન પૂરું થશે.’

સાર એ છે કે કોઈપણ ચીજ વસ્તુ કે વ્યક્તિનું અધુરૂ નહીં પણ સંપૂર્ણ દર્શન અત્યંત જરૂરી બને છે. એકાંગી અને મર્યાદિત વૃત્તિ નષ્ટ થાય અને સમાજની દ્ષ્ટિ સાર્વભૌમ, સાર્વદેશિક, સાર્વજનિક અને સર્વહિતકારી બને એ જ કાર્ય મહત્ત્વનું છે.

No comments:

Post a Comment