
ખેડા જિલ્લાનું વસો ગામ. મેઘલી રાત. ધોધમાર વરસાદ વરસે. આખું ગામ ઘરમાં ભરાઈ ગયું હતું. એક ભૂલ્યો-ભટક્યો માણસ શેરીઓમાં બૂમ પાડે છે, મારે સ્ટેશને જવું છે. કોઈ રસ્તો બતાવો.
કોઈ સાંભળતું નથી. પેલો માણસ ટાઢથી ધ્રૂજે છે. શેરીએ શેરીમાં કોઈ સાંભળે છે પણ ગોદડામાં લપાઈ જાય છે. મોડી રાત હતી. એક સજ્જને સાદ સાંભળીને બારીમાંથી જોયું. અજાણ્યા મુસાફરને જોઈને બહાર આવ્યા અને કહ્યું, ‘ભાઈ, ચાલ તને સ્ટેશને મૂકી જાઉં છું.’
છત્રી લીધી. પેલા મુસાફરના માથે ધરી અને વરસતા વરસાદમાં દોઢ કિલોમીટર દૂર ઠેઠ સ્ટેશન સુધી મૂકી આવ્યા. એ સજ્જન હતા ગુજરાતમાં પુસ્તકાલયની પ્રવૃત્તિને વેગ આપ્નાર મોતીભાઈ અમીન.
દીનદુખિયાનો સાદ સાંભળવો અને મદદ કરવી એ જ માનવધર્મ.
(‘જીવનની કમાણી’માંથી સાભાર)