Sep 3, 2014

આત્મસૌંદર્યનો પ્રભાવ

ગાંધીજી જ્યારે ગોળમેજી પરિષદ વખતે વિલાયત ગયા હતા ત્યારે ત્યાંના લોકો ઉપર એમનો પ્રભાવ ન પડે એટલા માટે છાપાંવાળાઓએ એમના વિરુદ્ધ પ્રચાર આદરેલો : ‘ગાંધી તો કદરૂપો છે, ઠીંગણો છે, કાળો છે, રિસાળ છે, અસભ્ય છે. પૂરતાં કપડાં પણ પહેરતો નથી.’ આવા કંઈકંઈ જાતના સમાચારો જનતામાં વહેતા મૂકેલા. પણ મહાત્માજીએ પોતાની આત્મપ્રતિભાથી ત્યાંના સૌને મંત્રમુગ્ધ કરી દીધા.

સખત ઠંડી હોવા છતાંય, ચંપલ અને કચ્છ પહેરીને, વહેલી સવારે ગાંધીજી ફરવા નીકળી પડે. જ્યારે તે ફરવા નીકળે ત્યારે ગોરાં ભૂલકાંઓ
આવીને સામાં ઊભાં રહે. ગાંધીજી સાથે હસ્તધૂનન કરે. વાતો કરે. બાળકો હરખાય. ઘેર જઈને મા-બાપ્ને ગાંધીજીની બધી વાતો કરે.

એક દિવસ એક ગોરા બાળકે ગાંધીજીને રાજમાર્ગ પરથી જતા જોયા. એટલે એની માને બૂમ પાડીને કહ્યું : ‘બા...બા... જલદી બહાર આવ... ગાંધીકાકા આવ્યા.’

ઘરકામ પડતું મૂકીને અંગ્રેજ બાઈ બહાર આવી. ગાંધીજીને જોઈને એ ઠરી ગઈ : ‘મૂઆ, છાપાંવાળા કેવા ધુતારા છે! એ લખે છે કે ગાંધી કદરૂપો છે, ઠીંગણો છે, કાળો છે, રિસાળ છે. આવું તો અહીં કંઈ જ દેખાતું નથી. ગાંધી તો ઘઉંવર્ણો છે. પ્રેમાળ છે, સાધુપુરુષ જણાય છે.’

ગાંધીજીના આત્મસૌંદર્યથી વિલાયતનાં ઘણાંય સ્ત્રીપુરુષો ને બાળકો ઘેલાં બનેલાં. આત્મસૌંદર્ય પાસે દેહસૌંદર્ય ફિક્કું પડે છે.