એક દિવસ સાંજના સમયે લાલબહાદુર શાસ્ત્રી પોતાના કુટુંબ સાથે વાતો કરતા બેઠા હતા. એ દરમિયાન તેમણે કહ્યું : ‘મોટર ખરીદવાનું મેં નક્કી કર્યું છે.’
બાદ તેમણે પોતાના ખાનગી સચિવને બોલાવ્યો અને પૂછ્યું ‘બેન્કમાં મારા ખાતામાં કેટલી રકમ જમા છે?’
સચિવે કહ્યું : ‘ચાર હજાર રૂપિયા.’
‘અને મોટરની શી કિંમત
થાય?’
‘બારેક હજાર રૂપિયા જેટલી!’
છેવટે શાસ્ત્રીજીએ સરકારી ઋણ લઈને એક મોટર ખરીદી. તેમને હતું કે ધીમે ધીમે હું આ ઋણ ચૂકવી દઈશ. પણ એવામાં 1966ના જાન્યુઆરીની 11મી તારીખે તેમનું અચાનક મૃત્યુ થયું.
સરકારે શાસ્ત્રીજીએ ઋણ તરીકે લીધેલી રકમ માફ કરવાનું નક્કી કર્યું, પરંતુ શાસ્ત્રીજીનાં વિધવા પત્ની લલિતાદેવીએ પોતાના પતિના આદર્શને ધ્યાનમાં રાખીને સરકારના નિર્ણયનો અસ્વીકાર કર્યો અને શાસ્ત્રીજીના કુટુંબને મળતા માસિક નિવૃત્તિવેતનમાંથી ચાર વર્ષ સુધીમાં હપ્તે હપ્તે ઋણની રકમ ચૂકવી આપી. એ રીતે બધું ઋણ તેમણે સરકારને ચૂકવી દીધું.
શ્રીમતી લલિતાદેવીએ આ રીતે પતિના ઉચ્ચ આદર્શને જરા પણ ઝાંખપ લાગવા દીધી નહિ.
શ્રીમતી લલિતાદેવી જેમ પતિના આદર્શ મુજબ જીવ્યા તેવો આદર્શ દરેક ભારતીય પણ અપ્નાવે તો કેવું !