
એક શક્તિશાળી રાજા તેની અપાર શક્તિના લીધે ખૂબ જ ઘમંડી અને અવ્યવહારૂ બની ગયો હતો, પરિણામે તેના દુશ્મનો વારંવાર તેના પર હુમલો કરી દેતા, પરંતુ પોતાની પાસેના શસ્ત્રોથી તે દુશ્મનોને પરાસ્ત કરી દેતો. રાજા હવે એટલો ઘમંડી બની ગયો કે તેના જ રાજ્યના લોકોની પણ કદર કરતો નહીં, એટલે રાજ્યના નાગરિકો તેના દુશ્મનો બનવા લાગ્યાં. આ વાતથી ગભરાઈ રાજાએ રાજગુરુને મળીને કહ્યું, ‘મહારાજ, મહારાજ રાજ્યના લોકો મારા દુશ્મનો બની મારા પર ગમે તે ઘડીએ હુમલો કરી શકે છે અને હું તેમની સામે મારા શસ્ત્રો પણ ઊઠાવી શકીશ નહીં.’ રાજગુરુએ કહ્યું, ‘પ્રજાને જીતવાના ત્રણ અમોઘ શસ્ત્રો છે, તેનો ઉપયોગ કર. પ્રજા માટે યથા શક્તિ રોજગારીની તકો ઊભી કર... મોટાભાગની તકલીફો આપ મેળે જ દૂર થઈ જશે... બીજું, મૃદુ બોલ અને એવું વર્તન કર... ત્રીજું, પ્રજાનું યોગ્ય સન્માન કર. આ ત્રણેય શસ્ત્રો પોતાના અને પારકા પર બ્રાસ્ત્ર સમાન કામ કરે છે, તેનાથી પણ વિજય મેળવી શકાય છે.’ એ રાજા ઉપદેશનું પાલન કરીને પ્રજામાં અને આસપાસના રાજાઓમાં લોકપ્રિય શાસક બન્યો.