Oct 14, 2014

અંધારામાં દીવો કરવો પડે

એક ડોશી મા હતાં. ખૂબ ગરીબ, પાસે પહેરવાના કપડાં પણ પૂરતાં નહિ, એટલે સાંધી-સુંધીને કપડાં પહેરે. એક રાતે એવી જ રીતે તેઓ પોતાનો ફાટેલો સાડલો સાંધવા બેઠાં. આંખે દેખાય પણ ઓછું. એટલે સાંધવામાં ય બહુ જ તકલીફ પડે. પાછી રાત અને ઘરમાં તેલનો દીવો કે ફાનસ હોય?! તેમાં પાછી માજીની સોય પડી ગઈ. વળી આંખમાં ઝાંખું.! તેમના મનમાં થયું કે બહાર રસ્તે તો દીવા છે તો લાવ ને બહાર શોધું! આમ માજી તો બહાર સોય શોધવા લાગ્યાં. રસ્તે એક માણસ પસાર થતો હતો, માજીને નીચા વળીને કઈક શોધતા જોયાં એટલે પૂછ્યું, ‘માડી, તમે શું શોધો છો?’ માજી કહે કે, ‘ભાઈલા, મારી સોય પડી ગઈ છે તો ગોતું છું.’ માણસે પૂછ્યું કે, ‘માડી તમારી સોય પડી છે ક્યાં?’ એટલે માજીએ જવાબ આપ્યો કે, ‘બેટા, મારી સોય તો અંદર ઝુંપડામાં પડી છે.’ નવાઈ પામી માણસે કહ્યું કે, ‘માડી, તો પછી અંદર કેમ નથી શોધતા?’ માજીએ કહ્યું કે, ‘બેટા, પણ અહીં બહાર અજવાળું છે એટલે બહાર ગોતું છું.’

સાચે જ આપણે પણ ખોવાયેલું કઈક શોધીએ છીએ ખરા, પણ તે ખોવાયું ક્યાંક છે અને આપણે શોધીએ છીએ ક્યાંક!

જ્યારે ખોવાયું હોય ત્યાં જ ગોતવું પડે, અંધારું હોય ત્યાં જ દીવો કરવો પડે.