Mar 4, 2015

કાર્ય કરનાર તો સર્વશક્તિમાન ભગવાન જ હોય છે

મહાભારતના યુદ્ધ દરમિયાન પોતાનાં પરાક્રમોથી અર્જુને કૌરવસેનામાં હાહાકાર મચાવી દીધો હતો. પરિણામે ક્યાંક ને ક્યાંક તેનામાં અભિમાન આવી ગયું હતું. યુદ્ધ દરમિયાન દરરોજ યુદ્ધમાંથી પાછા ફરતી વખતે ભગવાન શ્રીકૃષ્ણ સૌપ્રથમ રથમાંથી ઊતરી સારથિભાવે અર્જુનને ઉતારતા, પરંતુ યુદ્ધના અંતિમ દિવસે તેઓએ અર્જુનને પહેલાં રથમાંથી ઊતરી દૂર ચાલ્યા જવાનું કહ્યું. અર્જુને કચવાટ સાથે તેમ કર્યું. શ્રીકૃષ્ણ જેવા રથમાંથી નીચે ઊતર્યા કે તરત જ આખે-આખો રથ બળીને ભસ્મીભૂત થઈ ગયો. આ જોઈ અર્જુન તો આશ્ર્ચર્યચકિત થઈ ગયો, ત્યારે શ્રીકૃષ્ણે કહ્યું, પાર્થ, ભીષ્મ, કૃપાચાર્ય, દ્રોણાચાર્ય અને કર્ણનાં દિવ્યાસ્ત્રોથી તારો રથ તો ક્યારનોય બળીને રાખ થઈ ગયો હતો, પરંતુ મારા સંકલ્પે તેને યુદ્ધ પૂરું થતાં સુધી જીવંત રાખ્યો હતો. થોડી ક્ષણો પહેલાં પોતાની શ્રેષ્ઠતાના મદમાં રાચતો અર્જુન નતમસ્તક થઈ શ્રીકૃષ્ણના ચરણોમાં પડી ગયો અને પોતાના મિથ્યાભિમાન પર પસ્તાવો કરવા લાગ્યો. આપણે પણ સફળતા બાદ ક્યારેક ‘બધું જ મેં કર્યું છે’ના અભિમાનમાં રાચતા હોઈએ છીએ, પરંતુ વાસ્તવમાં આપણે તો નિમિત્ત માત્ર હોઈએ છીએ. કાર્ય કરનાર તો સર્વશક્તિમાન ભગવાન જ હોય છે. કાશ! આપણી અંદરનો અર્જુન આ સત્યને સમજી જાય.

No comments:

Post a Comment