Apr 2, 2015

દેશનું સન્માન

સ્વામી રામતીર્થ એક વખત જાપાનના પ્રવાસે ગયા હતા. ત્યારે રેલયાત્રા દરમિયાન તેમને ફળો ખાવાની ઇચ્છા થઈ. રેલગાડી એક સ્ટેશન પર ઊભી રહેતાં તેઓ ફળ લેવા નીચે ઊતર્યા, પરંતુ અનેક પ્રયત્નો છતાં સ્ટેશન પર તેમને ખાવા લાયક ફળ મળ્યાં નહીં, આથી વ્યથિત થઈ તેઓ બોલી ઊઠ્યા, ‘શું જાપાનમાં ક્યાંય સારાં ફળો જ નથી મળતાં!’ એક જાપાની યુવકે તેમના આ શબ્દો સાંભળી લીધા. બીજા સ્ટેશન પર તે યુવક ઝડપથી ટ્રેનમાંથી નીચે ઊતર્યો અને તાજાં ફળોની એક ટોકરી લાવી રામતીર્થ સામે ધરતાં બોલ્યો, ‘લો સજ્જન, કદાચ તમને આની જરૂર હતી.’ સ્વામીજીએ તેને ફેરિયો સમજી ફળોની કિંંમત પૂછી, પરંતુ પેલા યુવાને પૈસા લેવાની ના પાડી દીધી. સ્વામીજીના ખૂબ આગ્રહ બાદ પેલા યુવકે કહ્યું, ‘સજ્જન, આ ફળની ટોકરીની કિંંમત એટલી જ છે કે, તમે તમારા દેશમાં જઈને કોઈને કહેતા નહીં કે, જાપાનમાં સારાં ફળો નથી મળતાં.’ સ્વામી રામતીર્થ એ યુવકની દેશભક્તિ જોઈ મુગ્ધ થઈ ગયા. ભારત પરત ફર્યા બાદ તેઓએ આ વાત અનેક યુવકોને વારંવાર સંભળાવી અને જાપાની લોકોની દેશભક્તિમાંથી પ્રેરણા લેવાની કહેતાં શિખામણ આપતા હતા.

No comments:

Post a Comment