મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું. એક તરફ અર્જુન હતો, જેના સારથિ ભગવાન શ્રીકૃષ્ણ હતા. બીજી તરફ કર્ણ તેના સારથિ ‘શલ્ય’ સાથે હતો. ભગવાન શ્રીકૃષ્ણે કર્ણના સારથિ શલ્યને કહ્યું, તું અમારા વિરુદ્ધ જરૂરથી લડજે પરંતુ મારી એક વાત માનજે. જ્યારે કર્ણ કોઈ પ્રહાર કરે ત્યારે તારે કહેવાનું કે આ તો કંઈ પ્રહાર છે, તમને તો પ્રહાર કરતાં જ નથી આવડતું. બસ, તારે યુદ્ધ દરમિયાન સતત આ વાક્યો જ રટતા રહેવાનું છે. શલ્યે કૃષ્ણની વાત માની લીધી. યુદ્ધ શરૂ થયું અને કર્ણના પ્રત્યેક પ્રહાર સાથે શલ્ય કૃષ્ણે કહ્યા પ્રમાણેનું બોલતો જ્યારે અર્જુનના પ્રત્યેક પ્રહાર બાદ શ્રીકૃષ્ણ કહેતા, વાહ, શું પ્રહાર છે! શું નિશાન તાક્યું છે! એક તરફ શલ્યની સતત ટીકાથી કર્ણ હતોત્સાહિત થતો ગયો અને પાંડવો વધુ ને વધુ શક્તિશાળી બનતા ગયા. અર્થાત્ પ્રોત્સાહન મન માટે અમૃત સમાન છે જ્યારે હતોત્સાહિત મન પરાજયનું પ્રથમ પગથિયું છે.
No comments:
Post a Comment