Sep 10, 2015

ઈશ્ર્વરનું અસ્તિત્વ

એક યુવા બાળકે પોતાના પિતાને કહ્યું કે ભગવાન આ જગતમાં છે જ નહિ. જો ઈશ્ર્વર હોત તો આપણને દેખાત. પિતાએ એને ખૂબ સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેને આ વાત પર લેશમાત્ર પણ ભરોસો ન થયો. પિતાની સમજાવવાની બધી કોશિશો વ્યર્થ ગઈ અને આખરે એમણે સમજાવવાનું છોડી દીધું.

એક દિવસ જ્યારે યુવક ઘરની બહાર ગયો હતો ત્યારે તેના પિતાને એક યુક્તિ સૂજી. પિતાએ યુવકના ઓરડામાં એક મોટા ચિત્રપટ (કેન્વાસ) પર સુંદર ચિત્ર બનાવ્યું તથા પાસે મેજ પર રંગની બાટલીઓ, પીંછીઓ વગેરે એમ જ રાખી મૂકી. જ્યારે યુવક ઘરે પરત આવ્યો ત્યારે એ સુંદર ચિત્ર જોઈને તરત જ એના પિતાને પ્રશ્ર્ન કર્યો, ‘અરે પિતાજી! આટલું સુંદર ચિત્ર કોણે બનાવ્યું?’ પિતાજીએ કહ્યું, ‘કોઈએ નહીં. આપોઆપ જ બની ગયું.’ તો યુવક આશ્ર્ચર્યચકિત થઈ પિતાજીને જોવા લાગ્યો. તેને પિતાજીની વાત સમજમાં આવી નહોતી.

એણે પિતાજીને કહ્યું, ‘એ સંભવ જ નથી કે આપોઆપ કંઈ થઈ શકે.’ પિતાજીએ કહ્યું, ‘જો દીકરા! આ પીંછી ઉપર ઊઠી, રંગમાં પાણી બોળી અને ચિત્રપટ પર રંગ ભરી પાછી એની જગાએ આવી ગઈ.’ યુવક હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે ‘પિતાજી, કોઈ પણ વસ્તુ આપોઆપ જ નથી થઈ શકતી.’ આ સાંભળી પિતાજીએ કહ્યું - ‘શાબાશ દીકરા! આ નાનું ચિત્ર આપોઆપ નથી બની શકતું, અને છતાં આટલું મોટું જગત આપોઆપ બની ગયું?’

યુવકને પોતાની ભૂલ સમજાઈ ગઈ, અને જગત્સૃષ્ટા પરમાત્માના અસ્તિત્વ પ્રતિ તે શ્રદ્ધાયુક્ત થઈ ગયો. આટલાથી ધન્યતાનો અનુભવ કરવા લાગ્યો.

પરમાત્માના અસ્તિત્વનો નિશ્ર્ચય આપણા જ્ઞાનરૂપી ચક્ષુથી કરવો જોઈએ, નહીં કે આપણી ચામડાની આંખો વડે. આંખોનું પ્રયોજન તો રૂપ-રંગની દુનિયા જોવા માટે છે, એ આંખો રૂપ અને રંગ બનાવનારને નથી જોઈ શકતી.

જ્યાં કાર્ય છે ત્યાં કારણ હોય જ છે. ઈશ્ર્વર જગતરૂપી કાર્યના મૂળ કારણ છે, તેથી એમના અસ્તિત્વ પર કોઈ સંદેહ ન કરવો જોઈએ. જગતનું હોવું જ ઈશ્ર્વરના અસ્તિત્વનું પ્રમાણ છે.

No comments:

Post a Comment