Sep 23, 2015

ભગિની નિવેદિતા

ઇંગ્લૅન્ડનાં એક વિદુષી મહિલા જેઓ એક વિદ્યાલયનાં આચાર્ય હતાં તથા ત્યાંની શિક્ષણ સમિતિના સદસ્ય પણ હતાં તેઓ સ્વામી વિવેકાનંદના આહ્વાનથી ભારતમાં આવ્યાં. મૂળ નામ તો માર્ગારેટ નોબલ પરંતુ સ્વામીજીએ તેમને ભગિની નિવેદિતા નવું નામ આપ્યું અને બંગાળમાં સ્ત્રીશિક્ષણની જવાબદારી સોંપી. નિવેદિતાએ અનાથ બાળાઓ માટે અનાથાશ્રમ શરૂ કર્યો અને તેમાં બ્રિટિશ સરકારની કોઈપણ પ્રકારની સહાય નહીં લેવાનો સંકલ્પ કર્યો. દેશવાસીઓ પાસેથી જ ભંડોળ મેળવી તેમણે આશ્રમ ચલાવ્યો.

સહાય માટે એકવાર તેઓ સુખી-સંપન્ન વ્યક્તિ પાસે ગયાં અને અનાથ બાળાઓ માટે સહાયની માંગણી કરી. તે વ્યક્તિએ સહાય આપવાનો ઇન્કાર કર્યો એટલું
જ નહિ ગુસ્સામાં આવીને નિવેદિતાને થપ્પડ મારી દીધી. ભગિની નિવેદિતાએ જરા પણ વિચલિત થયા વિના જણાવ્યું કે, આ થપ્પડ તો તમે મને આપી છે પરંતુ અનાથ બાળાઓ માટે તો કંઈક આપો. આ સાંભળી તે વ્યક્તિ ભોંઠો પડી ગયો.

સેવાકાર્ય માટે કેવી નિષ્ઠા અને લક્ષ્યસિદ્ધિ માટે કેવો સમર્પણભાવ હોવો જોઈએ તે ઉપરોક્ત પ્રસંગથી સ્પષ્ટ થાય છે.

સામાજિક કાર્યકર્તાએ પોતાના માન-અપમાનની ચિંતા છોડીને સેવાકાર્યમાં પ્રવૃત્ત રહેવું જોઈએ.

No comments:

Post a Comment