Oct 27, 2015

શું દૂષણોએ તેમને પકડી રાખ્યા છે?


ભૂદાન આંદોલનના પ્રણેતા વિનોબા ભાવે પાસે એક દિવસ દારૂના વ્યસને ચડી ગયેલો યુવક આવ્યો અને હાથ જોડી કરગરવા લાગ્યો, ‘ગુરુજી, આ દારૂએ તો મને બરબાદ કરી નાખ્યો, મારે તેને છોડી દેવો છે, પણ કેમે કરીને છૂટતો જ નથી! આ વ્યસનથી મુક્તિ મેળવવાનો ઉપાય બતાવી મારો ઉદ્ધાર કરો.’

વિનોબાજીએ કહ્યું, ‘સારું બેટા, તું કાલે સવારે આવી મને બહારથી જ બૂમ મારજે. હું બહાર આવી તને તેમાંથી છુટકારાનો ઉપાય જણાવીશ.’

યુવક બીજે દિવસે પરત આવ્યો અને વિનોબાજીને બોલાવવા બૂમ પાડી. વિનોબાજીએ અંદરથી જ જવાબ આપ્યો, ‘બેટા, હું બહાર નહીં આવી શકું.’

પેલા યુવકે એનું કારણ પૂછતા વિનોબાજીએ
કહ્યું, "એક થાંભલાએ મને પકડી રાખ્યો છે અને મને છોડતો જ નથી. હું બહાર કેવી રીતે આવું?

યુવકે આશ્ર્ચર્ય સાથે પૂછ્યું, "ગુરુજી, થાંભલાએ તમને નહીં તમે જ થાંભલાને પકડ્યો હશે. કોઈ થાંભલો મનુષ્યને કેવી રીતે પકડવાનો? તમે તેને છોડી દો. એ આપોઆપ તમારાથી અલગ થશે.

વિનોબાજીએ તરત જ બહાર આવી કહ્યું, "બસ બેટા, મારે પણ તને આ જ વાત સમજાવવી હતી. આપણું વ્યસન છૂટી શકે છે, પરંતુ આપણે તેને છોડવા માંગતા નથી. વ્યક્તિનો દૃઢ નિશ્ર્ચય કોઈપણ ખરાબ આદતથી છુટકારો અપાવી શકે છે. વ્યક્તિ પોતાની ખરાબ આદતોને સુધારવા માંગતો હોય તો દુનિયાની કોઈપણ તાકાત તેને સુધારતાં રોકી શકતી નથી.

વિનોબાજીની વાત સાંભળી યુવકની આંખો ખૂલી ગઈ અને એ આભાર માની ચાલતો થયો.

બરોબર એ જ રીતે સમાજમાં વ્યાપ્ત અનેક દૂષણોને સમાજે જ પકડી રાખ્યાં છે, દૂષણોએ સમાજને નથી પકડ્યો. આ દશેરાએ આપણે સૌ સાથે મળીને સંકલ્પ કરીએ કે આપણા સમાજમાં વ્યાપ્ત તમામ દૂષણોરૂપી રાવણનું દહન કરીશું. ત્યારે જ આપણે એક સ્વસ્થ અને સુરક્ષિત, સુસંસ્કૃત સમાજની સંરચના કરી શકીશું...

No comments:

Post a Comment