May 25, 2016

જીવન એટલે . .

એક મહાત્મા પાસે આવી કોઈ શ્રદ્ધાળુએ એક પ્રશ્ર્ન કર્યો. જીવન એટલે શું ? થોડીવાર શાંત રહી મહાત્મા બોલ્યા : ‘એક વખત એક માણસ જંગલમાંથી પસાર થતો હતો. એવામાં એક ખૂંખાર સિંહ તેની ઉપર ચડી આવ્યો. પેલો મુસાફર અચાનક આવી ચડેલા સંકટથી એવો તો ગભરાઈ ગયો કે, દોડી ઝાડ પર ચડી જવાનું પણ તેને ભાન ન રહ્યું. તે ગભરાઈને ભાગવા લાગ્યો, સિંહ પણ તેને પકડવા તેની પાછળ ભાગ્યો. એટલામાં તેની નજર રસ્તામાં એક અવાવરુ કુવા પર પડી. સિંહથી બચવા માટે તેણે કૂવામાં કૂદકો લગાવી દીધો અને કૂવામાં વડલાનાં કેટલાંક મૂળિયાં બહાર નીકળ્યાં હતાં તેને પકડી પોતાની જાતને લટકાવી રાખી. અચાનક તેની નજર પડી તો કૂવામાં મગરો મોઢાં ફાડી તેના પડવાની રાહ જોઈ રહ્યા હતા. ઉપર સિંહ અને નીચે મગરો પેલા મુસાફરનો કોળિયો કરી જવા તલપાપડ હતા. હવે જે જગ્યાએ પેલો માણસ લટકેલો હતો તેની બરોબર ઉપર મધપૂડો હતો. તેમાંથી મધ ટપકી રહ્યું હતું. પેલો મુસાફર ટપકતાં મધના ટીપાનું આનંદપૂર્વક રસપાન કરી રહ્યો હતો. તેવામાં તો તે જે મૂળને પકડી લટકી રહ્યો હતો તેને એક કાળો અને
એક સફેદ ઉંદર નિરંતર કાપી રહ્યા હતા. આટલું બોલી મહાત્મા અટકી ગયા. હવે પેલા મુસાફરનું શું થયું તે જાણવા શ્રદ્ધાળુ અધીરો બન્યો. મહાત્માએ શાંતિથી કહ્યું, પેલો સિંહ એ કાળ હતો, મગર એ મૃત્યુ હતું. મધ એ જીવનરસ હતો અને કાળો અને સફેદ ઉંદર એ રાત-દિવસ હતા. બસ, આ બધું મળીને જે થાય એનું નામ જ જીવન.

No comments:

Post a Comment