એક ગરીબ અને અભણ બ્રાહ્મણ રાજાના મહેલમાં ગયો. બ્રાહ્મણ હાથ જોડીને બોલ્યો : ‘રાજાજી, આપ મારી પર કૃપા કરો, જેથી મારી ગરીબી દૂર થાય.’ રાજાએ કહ્યું : ‘ઠીક છે. આપ જે કંઈ આશીર્વાદસૂચક વાત જાણતા હો તે બોલો. હું પ્રસન્ન થઈશ તો તમને ન્યાલ કરી દઈશ.’ બ્રાહ્મણ, ‘હું તો અભણ, મને કશું આવડતું નથી.’ રાજા દાની હતો. તેમણે કહ્યું, ‘આપને જરૂર ધન આપીશ પણ હું કંઈ પણ પૂછું તેનો ઉત્તર આપશો તેવી આશા છે.’ બ્રાહ્મણ બોલ્યો, ‘હું ભણેલો નથી પણ મારો પ્રભુ ભણેલો છે. તે મને જરૂર મદદ કરશે. ભગવાનને યાદ કરીને હું જવાબ આપીશ.’ નિખાલસ અને ભોળી વાતથી રાજા જ નહિ પણ દરબારીઓ પણ હસી પડ્યા. રાજાએ બ્રાહ્મણને પ્રશ્ર્ન પૂછ્યો : ‘મહારાજ, આપના આખા દેહ પર વાળ છે. પરંતુ આપની હથેળી પર વાળ કેમ નથી ? ભગવાનને યાદ કરી બ્રાહ્મણે જવાબ આપ્યો. ‘રાજાજી, હું રહ્યો યાચક, મારો ધંધો નિત્ય દાન લેવાનો. આ માટે વારંવાર લોકો આગળ હાથ લંબાવવો પડે. આમ દાન લેતાં મારી હથેળી પરના વાળ ઘસાઈ ગયા.’ રાજાએ કહ્યું, ‘પરંતુ તો પછી મારી હથેળીમાં વાળ કેમ નથી ?’ બ્રાહ્મણે જવાબ આપ્યો. ‘રાજાજી, આપ રોજ દાન આપો છો. એટલે આપની હથેળીના વાળ તેનાથી ઘસાઈ ગયા છે.’ રાજાએ કહ્યું, ‘હું આપની દલીલ સાથે સંમત છું, પરંતુ આ દરબારીઓ, સેવકો, ચોકીદારો તો કંઈ દાન લેતા કે દેતા નથી તો પછી તેમની હથેળીમાં કેમ વાળ નથી ?’ બ્રાહ્મણે કહ્યું, ‘રાજાજી, જ્યારે આપ કોઈને દાન આપો છો ત્યારે આ લોકોને તે ગમતું નથી. તેઓ ઈર્ષ્યા કરે છે અને આ અદેખાઈમાં પોતાના હાથ મસળ્યા કરે છે. તેથી તેમની હથેળીઓ વાળ વગરની થઈ ગઈ છે.’ રાજા બ્રાહ્મણના આ ઉત્તરથી ખુશ થઈ ગયા અને બ્રાહ્મણને હજાર સુવર્ણમુદ્રાઓ બક્ષિસમાં આપી.
No comments:
Post a Comment