Jul 21, 2016

આરુણીની કર્તવ્યનિષ્ઠા

આરુણી ઋષિ અરુણીનો પુત્ર હતો. તે ઋષિ ધૌમ્યના આશ્રમમાં રહી કૃષિવિજ્ઞાન અને પશુપાલન સંબંધિત વિષયોનું શિક્ષણ મેળવી રહ્યો હતો. ચોમાસાના દિવસો આવ્યા. અનરાધાર વરસાદ વરસ્યો. ત્યારે ઋષિ ધૌમ્યએ આરુણીને બોલાવી કહ્યું, બેટા, ખૂબ જ વરસાદ વરસી રહ્યો છે માટે તું આપણા ખેતરની ચારે બાજુ બાધેલ બંધ સલામત છે, કે નહીં તે જોઈ આવ અને જો તૂટી ગયો હોય તો તરત જ તેને ઠીક કરી દેજે. ગુરુના આદેશને માથે ચડાવી આરુણી ખેતરે પહોંચ્યો. ત્યાં તેણે જોયું તો એક જગ્યાએ બાંધમાં મોટું બાકોરું પડી ગયું હતું. જેમાંથી સતત પાણી વહી રહ્યું હતું. આરુણીને સમજતાં વાર ન લાગી કે જો તત્કાળ આ બાકોરાને પૂરવામાં નહીં આવે તો તમામ પાક પાણીમાં વહી જશે. તેણે આજુબાજુની માટી ભેગી કરી બાકોરાને પૂરવાનો પ્રયાસ કર્યો પરંતુ પાણીનો પ્રવાહ તેની તમામ મહેનત પર પાણી ફેરવી દેતો હતો. ત્યારે આરુણી જાતે જ એ બાકોરા સામે ઊંઘી ગયો. પરિણામે પાણીનો પ્રવાહ તો અટકી ગયો પરંતુ બધો જ કીચડ તેના શરીર પર ચોટવા લાગ્યો. આ બાજુ ઘણો બધો સમય વીતવા છતાં આરુણી પાછો ન આવતાં ઋષિ ધૌમ્યને તેની ચિંતા થઈ અને કેટલાક શિષ્યો સાથે તે આરુણીને શોધતા ખેતરે પહોંચ્યા. અહીં તેમણે આરુણીને આ હાલતમાં જોતાં પરિસ્થિતિને સમજતાં વાર ન લાગી. તેઓએ આરુણીને ઉઠાડી છાતીસરસો ચાંપી દીધો અને કહ્યું બેટા, હું તારી કર્તવ્ય નિષ્ઠાથી ખૂબ જ ખુશ છું. તેં તારા જીવની પણ પરવા કર્યા વગર ગુરુના આદેશનું પાલન કર્યું છે. આવી કર્તવ્યનિષ્ઠા માત્ર વીરોમાં જ હોય છે. બાદમાં ઋષિના આદેશથી તમામ શિષ્યોએ મળી બંધનું બાકોરું પૂરી દીધું. સાચા શિષ્યો ગુરુની પ્રત્યેક આજ્ઞાનું પ્રતિબદ્ધતાપૂર્વક પાલન કરે છે અને આવા જ શિષ્યો આગળ જતા મહાન બની જતાં હોય છે.

1 comment:

  1. બાકોરા સામે ઉંઘી ગયો નહીં પણ
    સુ‌ઈ ગયો

    ReplyDelete