
ખૂબ સમય પહેલાંની વાત છે. એક રાજ્યમાં મહાન યોદ્ધો રહેતો હતો. સદાય અપરાજેય આ યોદ્ધો કોઈને પણ હરાવવાનું કૌવત જાણતો હતો. એક દિવસ બાજુના રાજ્યનો ઈર્ષાથી બળતો એક યોદ્ધો તેને હરાવવા માટે આવ્યો. તે શક્તિશાળી હોવાની સાથે સાથે ષડયંત્રકારી પણ હતો. તે પોતાના દુશ્મનોને વારંવાર અપમાનિત કરતો અને તેની કમજોરી જાણી તેના પર વારંવાર પ્રહાર કરતો. તેણે મહાન યોદ્ધાને યુદ્ધ માટે લલકાર્યો. ધમકીઓ આપી લોકોને લાગ્યું કે આ વખતે આપણો યોદ્ધો હારી જશે. પોતાના વિરોધીઓની ટીકાની પરવાહ કર્યા વગર યોદ્ધાએ તેનો પડકાર સ્વીકાર કર્યો. હવે બન્ને યોદ્ધા સામસામે હતા. પોતાની ધૃષ્ટતા મુજબ પેલાએ વીર યોદ્ધા પર માટી ફેંકી, ચહેરા પર થૂંક્યો અને ખૂબ ગાળો ભાંડવા માંડી. જેટલી રીતોથી વીર યોદ્ધાને અપમાનિત કરી શકાય તે તમામ અપનાવી પરંતુ વીર યોદ્ધો ઠરેલ હતો. શાંતચિત્ત, એકાગ્ર અને અડગ હતો અને પેલાના પ્રહારની રાહ જોઈ રહ્યો હતો. અનેક ઉશ્કેરણી છતાં પણ પેલો યોદ્ધો જ્યારે ઉશ્કેરાયો નહીં ત્યારે પેલાને તેની હાર નિશ્ર્ચિત લાગી અને તને હું જોઈ લઈશ કહી ભાગી ગયો. તેના વિરોધીઓ સાથે શુભચિંતકો પણ વીર યોદ્ધાએ પેલાને જવા જ કેમ દીધો કહી નારાજ થયા અને સવાલ કર્યો કે તમે એ ગુસ્તાખને જવા જ કેમ દીધો ? રણમેદાનમાં મસળી કેમ ન કાઢ્યો ? તેણે તમારું આટલું બધું અપમાન કર્યું, છતાં તમે એને ભાગી જવાનો મોકો આપ્યો, વીર યોદ્ધાનો જવાબ હતો, તે મને ઉશ્કેરી મારી કમજોરી જાણવા માંગતો હતો. મેં ન ઉશ્કેરાઈ તેને માત્ર મેદાનમાં જ નહીં રણનૈતિક ક્ષેત્રે પણ ધૂળ ચાટતો કરી દીધો છે. અપમાન પણ પ્યાલામાં ભરેલા દા રૂ જેવું હોય છે. તે તમને ત્યારે જ નુકસાન પહોંચાડી શકે છે જ્યારે તમે તેનો સ્વીકાર કરો છો.
No comments:
Post a Comment