Oct 25, 2016

સાચી શ્રદ્ધા

ચોમાસું પૂર્ણ થવા આવ્યું હતું. છતાં વરસાદનું એક ટીપું પણ વરસ્યું ન હતું. ખેતરો, વાડી, બગીચા સુક્કાભટ્ટ થઈ ગયાં હતાં. ત્યારે નગરવાસીઓમાં ચિંતા પેઠી. જ્યારે કોઈ જ વિકલ્પ નથી બચતો ત્યારે મનુષ્ય ઈશ્ર્વરને યાદ કરે છે. અહીં પણ એવું જ થયું. નગરના તમામ લોકો ભજન કરવા નગરના મુખ્ય મંદિરે એકઠાં થયાં. આ તમામમાં એક બાળક પણ હતો. પોતાની નાની છત્રી સાથે આવેલા આ બાળકને જોઈ નગરજનોને આશ્ર્ચર્ય થયું. લોકોએ ટીખળ કરી. બિચારો તાપથી બચવા છત્રી લઈને આવ્યો હશે. આ સાંભળી બાળક બોલ્યો. કેમ, આપણે બધા અહીં વરસાદ આવે એટલા માટે ભગવાનને પ્રાર્થના કરવા ભેગા થયા છીએને, તો પછી વરસાદ આવશે તો પલળી નહીં જવાય ? પ્રાર્થના કરીશું અને વરસાદ નહીં આવે તેવી જરાઅમથી શંકા પણ આ બાળકના મનમાં ન હતી. પ્રાર્થના પૂર્ણ થતાં તો આકાશ કાળાં ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું અને મુશળધાર વરસાદ ટૂટી પડ્યો. પોતાની નાની છત્રી ખોલી બાળક નાનાં નાનાં ડગ માંડતો પોતાના ઘર તરફ ચાલી નીકળ્યો. વરસાદ અહીં એકત્રિત થયેલી ભીડની પ્રાર્થનાને કારણે થયો કે કેમ એની તો ખબર નહીં પરંતુ એટલું જરૂર કે એ ભીડમાં ઈશ્ર્વર પર સાચી શ્રદ્ધા રાખનારો એક બાળક પણ હતો.

No comments:

Post a Comment