પોતાનાં કુકર્મોથી ત્રસ્ત એક ડાકુ ગુરુ નાનકજી પાસે ગયો, તેમના કદમોમાં પડી જઈ કહેવા લાગ્યો, ‘મહારાજ, હું મારા લૂંટ-ફાટ અને હિંસાભર્યા જીવનથી ત્રસ્ત થઈ ગયો છું. હવે તમે જ મને કોઈ રસ્તો બતાવો. મારે આ બૂરાઈનો રસ્તો ત્યજવો જ છે.’ નાનકજીએ કહ્યું, ‘એમાં શી મોટી વાત છે ? તુ ખરાબ કર્મો કરવાનું છોડી દે, આપોઆપ તું તે જીવનમાંથી બહાર આવી જઈશ.’ ડાકુ ખુશ થતો ગયો. થોડા દિવસ પછી તે પાછો આવ્યો. ‘ગુરુદેવ, મેં ખૂબ જ કોશિશ કરી પરંતુ મારાથી એ માર્ગ છૂટતો જ નથી. હું મારી આદતથી લાચાર છું. કૃપા કરી મને કોઈ અન્ય માર્ગ બતાવો.’ આ સાંભળી ગુરુ નાનકજીએ કહ્યું, ‘એમ કર.’ તને જે કરવાનું મન થાય એ કહી દે, પરંતુ એ કર્યા બાદ તરત જ સામે તેની કબૂલાત કરી લે.’ ડાકુ ખૂબ જ ખુશ થયો કે, પોતે બેધડક ધાડ, લૂંટ પાડશે અને બીજા સમક્ષ કબૂલ કરી પોતાનું મન હલકું કરી લેશે. થોડા દિવસ બાદ વળી પાછો તે ગુરુ નાનકજી પાસે આવી કરગરી પડ્યો. ગુરુજી, ખરાબ કર્મ કરવું જેટલું મુશ્કેલ છે તેનીથી મુશ્કેલ તો તેનો સ્વીકાર કરવાનું છે. માટે મેં સરળ રસ્તો પસંદ કરી ચોરી અને લૂંટ કરવાનું જ છોડી દીધું છે. પોતાની બૂરાઈઓનો સ્વીકાર કરવા કરતાં તેનો ત્યાગ કરવો એ જ સાચી મહાનતા છે. બૂરાઈઓનો સ્વીકાર કરવાથી મન તો હલકું થઈ શકે છે, પરંતુ અપરાધભાવથી પૂર્ણ રૂપે મુક્તિ મળી શકતી નથી, પૂર્ણ મુક્તિ તો ત્યાગથી શક્ય છે.’
No comments:
Post a Comment